Loading Please Wait !!!
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMC ની મોટી કાર્યવાહી: દિલ્હીથી મિથેનોલ સપ્લાય કરનાર 3 આરોપી ઝડપાયા

 

  • દિલ્હી કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ત્રણેય આરોપીઓને ગુજરાત લાવવાની કવાયત તેજ

  • એસએમસી વડા ગગનદીપસિંઘ ગંભીરના માર્ગદર્શન હેઠળ તપાસનો દોર દેશવ્યાપી બન્યો

  • પ્રમોદ બુડાકોટી, રોહિત પ્રધાન અને કેશવ જાટવ નામના કેમિકલ સપ્લાયરોની ધરપકડ

સિટી ન્યુઝ @ ભાવનગર

ભાવનગર જિલ્લાના વરતેજ પંથકમાં નકલી વિદેશી દારૂના સેવનથી 13 નિર્દોષ લોકોના થયેલા મોતના ચકચારી લઠ્ઠાકાંડ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને વધુ એક મોટી આંતરરાજ્ય સફળતા મળી છે. આ ગંભીર કેસમાં સંડોવાયેલા શખ્સો સામે ગુનો નોંધાયા બાદ દેશભરમાં સઘન તપાસ ચલાવી રહેલી એસએમસીની ટીમે દિલ્હી પોલીસના સંયુક્ત સહયોગથી દિલ્હીમાંથી ઝેરી મિથેનોલનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય 3 આરોપીઓની ધરપકડ કરી છે. દિલ્હી કોર્ટમાંથી આરોપીઓના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી તેમને ગુજરાત લાવવાની તજવીજ હાથ ધરાઈ છે, જે સાથે જ આ કેસમાં કુલ ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા 31 થઈ ગઈ છે.

એસએમસીના વડા ગગનદીપસિંઘ ગંભીરના સીધા માર્ગદર્શન હેઠળ ટીમોએ ઝેરી કેમિકલના મૂળ સોર્સ સુધી પહોંચવા માટે દેશના વિવિધ રાજ્યોમાં તપાસ તેજ કરી હતી. કેસના પ્રારંભિક તબક્કામાં મુખ્ય સૂત્રધાર રઈશ અંસારી સહિત 14 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમના રિમાન્ડ દરમિયાન મળેલી માહિતીના આધારે કેમિકલ સપ્લાયર આનંદ છાંડી સહિત વધુ 13 આરોપીઓ ઝડપાયા હતા.

રિમાન્ડ દરમિયાન ઝડપાયેલા આરોપીઓની આકરી પૂછપરછમાં સામે આવેલી વિગતોના આધારે એસએમસીની ટીમે દિલ્હીમાં દરોડો પાડ્યો હતો. આ ઓપરેશન દરમિયાન મિથેનોલ કેમિકલનો ગેરકાયદે સોર્સ પૂરો પાડનાર પ્રમોદ બુડાકોટી, રોહિત પ્રધાન અને કેશવ જાટવ (તમામ રહે. દિલ્હી) ને દબોચી લેવામાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે પ્રમોદ બુડાકોટી દ્વારા જીવલેણ મિથેનોલ કેમિકલ ગેરકાયદે રીતે રોહિત અને કેશવને આપવામાં આવતું હતું. ત્યારબાદ આ બંને આરોપીઓ અન્ય મળતિયાઓ મારફતે ટ્રાન્સપોર્ટ દ્વારા આ કેમિકલ અમદાવાદ સ્થિત ગોડાઉનમાં ઉતારતા હતા, જ્યાંથી તે વરતેજ પહોંચાડવામાં આવતું હતું. SMC ની આ ત્વરિત કાર્યવાહીથી ઝેરી દારૂના દેશવ્યાપી નેટવર્કના મૂળ સુધી પહોંચવામાં મોટી કડી મળી છે.

લઠ્ઠાકાંડમાં દિલ્હીથી 3 ઝડપાયા

ભાવનગરના વરતેજ લઠ્ઠાકાંડમાં SMC એ દિલ્હીથી ઝેરી મિથેનોલ સપ્લાય કરનાર પ્રમોદ બુડાકોટી, રોહિત પ્રધાન અને કેશવ જાટવને ઝડપી પાડ્યા છે. દિલ્હીથી અમદાવાદના ગોડાઉન મારફતે વરતેજ કેમિકલ પહોંચાડવાનું નેટવર્ક ખુલ્યું છે. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આરોપીઓને ગુજરાત લાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેથી ધરપકડનો કુલ આંકડો 31 થયો છે.