Loading Please Wait !!!
ભાવનગર લઠ્ઠાકાંડમાં બુટલેગરો સાથે મળેલા પોલીસકર્મીઓ પર તવાઈ: SMC ની મેરેથોન તપાસ

 

  • SMC ના IG ગગનદીપ ગંભીર અને DIG વિશાલકુમાર વાઘેલા ભાવનગર DSP કચેરી પહોંચ્યા

  • વરતેજ, એલસીબી અને નીલમબાગ પોલીસ મથકના સસ્પેન્ડેડ PI સહિત સ્ટાફના નિવેદનો લેવાશે

  • લઠ્ઠાકાંડમાં ફરજમાં બેદરકારી કે મિલીભગત સામે આવ્યે કડક ફોજદારી કાર્યવાહીના સંકેત

સિટી ન્યુઝ @ ભાવનગર

ભાવનગર લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. સતત ત્રીજા દિવસે SMC ના IG ગગનદીપ ગંભીર અને DIG વિશાલકુમાર વાઘેલા ભાવનગર DSP કચેરીએ પહોંચીને તપાસની કમાન સંભાળી રહ્યા છે. સમગ્ર ઘટનામાં સ્થાનિક પોલીસની બેદરકારી કે બુટલેગરો સાથેની કોઈ કથિત સાંઠગાંઠ હતી કે કેમ તે અંગે એસએમસીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઊંડાણપૂર્વક મેરેથોન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. જો તપાસમાં કોઈ પોલીસકર્મી કે અધિકારીની ભૂમિકા સામે આવશે તો તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

આ ચકચારી કેસમાં અગાઉ સસ્પેન્ડ કરાયેલા વરતેજ પોલીસ સ્ટેશનના પીઆઈ, એલસીબી પીઆઈ તેમજ નીલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના પોલીસ કર્મચારીઓના સત્તાવાર નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. લઠ્ઠાકાંડ પૂર્વે અને ઘટના બાદ પોલીસ દ્વારા દાખવવામાં આવેલી શંકાસ્પદ ઢીલાશ અંગે અધિકારીઓ પાસેથી ખુલાસા માંગવામાં આવી રહ્યા છે.

તપાસના ભાગરૂપે રિમાન્ડ પર રહેલા 4 જેટલા મુખ્ય આરોપીઓને આજે ફરી DSP કચેરી ખાતે લાવીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ક્રોસ ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું. ભાવનગર લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં કુલ 13 નિર્દોષ વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જેને પગલે સમગ્ર રાજ્યમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

એસએમસી દ્વારા આ ગુનાહિત નેટવર્ક સામે સપાટો બોલાવીને અત્યાર સુધીમાં કુલ 27 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ લઠ્ઠાકાંડના તાર માત્ર સ્થાનિક સ્તર પૂરતા સીમિત ન રહેતાં આંતરરાજ્ય કનેક્શન પણ બહાર આવ્યું છે. મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના રહેવાસી આનંદ થાળી નામના શખ્સની મુખ્ય મિથેનોલ સપ્લાયર તરીકે સંડોવણી સામે આવી છે.

આ સાથે જ બનાવટી અને ડુપ્લિકેટ 'રોયલ સ્ટેગ' બ્રાન્ડની દારૂની બોટલો બનાવીને તેનું ગેરકાયદે વેચાણ કરનારા ભાવનગરના સ્થાનિક બુટલેગરોની મોટી સિન્ડિકેટનો પણ પર્દાફાશ થયો છે. એસએમસીની ટીમો આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા તમામ પાસાંઓની સઘન તપાસ કરી રહી છે.

ભાવનગર લઠ્ઠાકાંડમાં SMC ની તપાસ તેજ

ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસની ભૂમિકાની તપાસ માટે SMC ના IG ગગનદીપ ગંભીર અને DIG વિશાલકુમાર વાઘેલાએ ભાવનગરમાં ધામા નાખ્યા છે. સસ્પેન્ડેડ પોલીસ અધિકારીઓ અને રિમાન્ડ હેઠળના આરોપીઓની પૂછપરછ શરૂ કરાઈ છે. 13 લોકોના મોત નીપજાવનાર આ કાંડમાં અત્યાર સુધી 27 આરોપીઓ પકડાયા છે અને MP થી મિથેનોલ સપ્લાય થતું હોવાનું ખુલ્યું છે.