Loading Please Wait !!!
ભાવનગર લઠ્ઠાકાંડ: મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી અને રઈશ અન્સારી સહિત 14 આરોપી જેલહવાલે

 

  • રિમાન્ડ પૂર્ણ થતાં સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ રિમાન્ડ ન માંગતાં કોર્ટે તમામ 14 આરોપીઓને જેલહવાલે કર્યા

  • મધ્યપ્રદેશના મોહમ્મદ રઈશ અન્સારી પાસેથી રો-મટીરિયલ મંગાવી ઝેરી દારૂ બનાવવામાં આવ્યો હતો

  • વરતેજ વિસ્તારમાં લઠ્ઠાના સેવનથી 61 લોકોની તબિયત લથડી હતી, જે પૈકી 13 લોકોના કરુણ મોત નીપજ્યા હતા

સિટી ન્યુઝ @ ભાવનગર

ભાવનગરમાં ચકચાર મચાવનારા લઠ્ઠાકાંડ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ધરપકડ કરાયેલા મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી અને મધ્યપ્રદેશના મોહમ્મદ રઈશ અન્સારી સહિત કુલ 14 આરોપીઓના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં તેમને ખાસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સી દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરાતાં નામદાર કોર્ટે તમામ 14 આરોપીઓને ન્યાયિક કસ્ટડી હેઠળ જેલહવાલે કરવાનો કડક હુકમ કર્યો છે.

કોર્ટમાં રજૂ કરતાં પહેલાં તમામ 14 આરોપીઓને સર ટી હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. આ કેસની ગંભીરતાને જોતાં SMC ના આઈજીપી ગગનદીપ ગંભીર પણ ભાવનગર પહોંચ્યા હતા અને સમગ્ર તપાસની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, વરતેજ સ્થિત આંબલી ફળિયામાં રહેતા ગૌતમ સોલંકીએ ઉજ્જૈન (MP) ના રઈશ અન્સારી પાસેથી કેમિકલ અને રો-મટીરિયલ મંગાવીને ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવ્યો હતો. આ ઝેરી દારૂ પીવાથી 61 લોકોની તબિયત લથડી હતી અને 13 લોકોના કરુણ મોત નીપજ્યા હતા.

આ ચકચારી ઘટના બાદ વરતેજ પોલીસ મથકે 21 શખ્સો સામે ગુનો નોંધાયા બાદ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી મયુરસિંહ ચાવડા અને તેમની ટીમને સોંપવામાં આવી હતી. એસએમસીની ટીમે રાજ્યભરમાં અને મધ્યપ્રદેશ સુધી દરોડા પાડીને અત્યાર સુધીમાં મુખ્ય સૂત્રધારો સહિત કુલ 37 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

ભાવનગર લઠ્ઠાકાંડ: 14 આરોપી જેલહવાલે

ભાવનગરમાં 13 નિર્દોષોનો ભોગ લેનારા ઝેરી દારૂ કાંડના મુખ્ય આરોપી ગૌતમ સોલંકી અને રઈશ અન્સારી સહિત 14 આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં કોર્ટે જેલહવાલે કર્યા છે. SMC દ્વારા આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 37 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.