ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટો ધડાકો: ASP સ્ક્વોડના પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહની ધરપકડ
-
ભાવનગર ગ્રામ્ય ASP સ્ક્વોડમાં ફરજ બજાવતા રાજદીપસિંહ ગોહિલની SMC દ્વારા ધરપકડ કરાઈ
-
મોબાઇલ સીડીઆર તપાસમાં લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી સાથે સીધો સંપર્ક ખુલ્યો
-
એસએમસી વડા ગગનદીપ ગંભીરના માર્ગદર્શન હેઠળ તપાસ તેજ, વધુ પોલીસકર્મીઓ રડારમાં
સિટી ન્યુઝ @ ભાવનગર
ભાવનગર લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા અત્યંત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ચકચારી કેસમાં ભાવનગર ગ્રામ્ય ડિવિઝનની ASP સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગજુભા ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર બુટલેગર ગૌતમ સોલંકી સાથે કોન્સ્ટેબલની સીધી ટેલિફોનિક વાતચીત અને સાંઠગાંઠ સામે આવ્યા બાદ આ ધરપકડ કરવામાં આવી છે.
એસએમસીના વડા ગગનદીપ ગંભીરના સીધા માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ તપાસ દરમિયાન શંકાસ્પદ પોલીસ કર્મચારીઓના મોબાઇલ સીડીઆર (CDR) ની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. જેમાં રાજદીપસિંહ ગોહિલ મુખ્ય આરોપી સાથે સતત સંપર્કમાં હોવાના પુરાવા મળ્યા હતા. પોલીસકર્મીની ધરપકડથી સ્થાનિક પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
આ સમગ્ર પ્રકરણમાં એસએમસી દ્વારા અત્યાર સુધીમાં મુખ્ય સૂત્રધાર સહિત કુલ 38 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આ ઉપરાંત અગાઉ પકડાયેલા મુખ્ય આરોપી ગૌતમ સોલંકી, રઈશ અન્સારી અને જતીન કાંબડ સહિતના 14 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં અદાલતે તમામ આરોપીઓને જેલહવાલે કરવાનો આદેશ કર્યો હતો.
તપાસમાં સામે આવ્યું હતું કે બુટલેગર ગૌતમ સોલંકીએ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી કેમિકલના જાણકારોને બોલાવી પોતાના ઘરે જ અમદાવાદથી મંગાવેલા ઘાતક મિથેનોલ કેમિકલનો ઉપયોગ કરીને ઝેરી નકલી દારૂ તૈયાર કર્યો હતો. આ મિથેનોલયુક્ત ઝેરી દારૂ પીવાના કારણે સર્જાયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
પોલીસ અને બુટલેગરોના ગઠબંધનનો પર્દાફાશ થતાં એસએમસીએ તપાસનો વ્યાપ વધાર્યો છે. આગામી દિવસોમાં ગેરકાયદે દારૂના નેટવર્ક સાથે સાંઠગાંઠ ધરાવતા અન્ય પોલીસ કર્મચારીઓની સંડોવણી બહાર આવવાની અને તેમની સામે પણ કડક કાનૂની સકંજો કસાવાની શક્યતા જોવાઈ રહી છે.
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસ કોન્સ્ટેબલ પકડાયો
ભાવનગર લઠ્ઠાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ASP સ્ક્વોડના કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલની ધરપકડ કરી છે. CDR તપાસમાં મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સાથે સંપર્ક ખુલતાં આ કાર્યવાહી કરાઈ છે. લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે અને કુલ 38 આરોપીઓ ઝડપાયા છે, જે પૈકી 14 આરોપીઓને જેલહવાલે કરાયા છે.