આજે બોળચોથ સાથે શ્રાવણી તહેવારોનો પ્રારંભ: ગાય-વાછરડાના પૂજનનું મહત્વ અને શુભ મુહૂર્ત
-
31 ઓગસ્ટ સવારે 08:51 થી 1 સપ્ટેમ્બર સવારે 07:42 વાગ્યા સુધી બોળચોથની તિથિ રહેશે
-
કંકુ, ચોખા, ફૂલહાર અને રૂના નાગલા અર્પણ કરી ગાય-વાછરડાની પૂજા કરવાની પરંપરા
-
આ દિવસે ચપ્પુથી સમારેલું શાક, ઘઉંની વાનગી અને ગાયના દૂધનું સેવન વર્જ્ય મનાય છે
સિટી ન્યુઝ @ ધર્મ અને સંસ્કૃતિ
શ્રાવણ વદ ચોથ એટલે કે 'બોળચોથ' (બહુલા ચોથ) સાથે જ આજથી ગુજરાતી લોકસંસ્કૃતિના પાવન શ્રાવણી તહેવારોનો વિધિવત પ્રારંભ થયો છે. આજે 31 ઓગસ્ટ 2026ના રોજ સવારે 08:51 વાગ્યાથી શરૂ થતી ચોથની તિથિ આવતીકાલે 1 સપ્ટેમ્બરના રોજ સવારે 07:42 વાગ્યા સુધી રહેશે, જ્યારે રાત્રે 08:59 વાગ્યે ચંદ્રદર્શન થશે. બોળચોથના પવિત્ર પર્વથી શરૂ થતો આ તહેવારોનો દોર નાગપાંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી અને નોમના પારણા સુધી અઠવાડિયા સુધી ધામધૂમથી ચાલશે.
હિન્દુ ધર્મની માન્યતા મુજબ ગૌમાતામાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોય છે. બોળચોથના દિવસે ગાય અને વાછરડાનું વિધિવત પૂજન કરવામાં આવે છે. આ દિવસે વ્રત રાખતી મહિલાઓ સવારે નિત્યકર્મ પૂર્ણ કરી કંકુ, ચોખા, પુષ્પહાર અને રૂના નાગલા ચઢાવી ગાય-વાછરડાની આરાધના કરે છે તેમજ સાંજે વાછરડાને બાજરીની ઘૂઘરી ખવડાવે છે. આજના દિવસે ચપ્પુથી સમારેલું શાક ન ખાવાની, ઘઉંના લોટની વાનગીઓનો ત્યાગ કરવાની અને ખાંડવા કે દળવા જેવી પ્રવૃત્તિઓ ન કરવાની પરંપરા છે.
પૌરાણિક કથા મુજબ, કામધેનુ ગાય શ્રીકૃષ્ણની લીલા જોવા 'બહુલા' રૂપે નંદબાબાની ગૌશાળામાં પ્રવેશી હતી. એકવાર જંગલમાં ચરતી વખતે સિંહ સામે આવી જતાં બહુલાએ ભૂખ્યા વાછરડાને દૂધ પીવડાવીને પાછા આવવાની શપથ લીધી હતી. વચન પાળીને પરત ફરેલી બહુલાની સત્યનિષ્ઠા જોઈ સિંહરૂપી શ્રીકૃષ્ણ પ્રસન્ન થયા હતા અને વરદાન આપ્યું હતું કે શ્રાવણ વદ ચોથે માનવજાત ગાય-વાછરડાની પૂજા કરશે અને આ વ્રત કરનારને સંતાન સુખ, સંપત્તિ અને સૌભાગ્ય પ્રાપ્ત થશે.
બોળચોથ સાથે તહેવારોનો પ્રારંભ
આજે બોળચોથના પાવન પર્વે ગાય અને વાછરડાના વિશેષ પૂજન સાથે તહેવારોની શરૂઆત થઈ છે. આજના દિવસે ગાયનું દૂધ અને સમારેલી વાનગીઓ વર્જ્ય રાખી વાછરડાને બાજરીની ઘૂઘરી ખવડાવવાની પરંપરા છે. ભગવાન શ્રીકૃષ્ણના વરદાનથી પૂજાતી બહુલા ગાયનું આ વ્રત સુખ, સમૃદ્ધિ અને સંતાન સુખ પ્રદાન કરે છે.