UPI ના 10 વર્ષ પૂર્ણ: વિશ્વની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ બની
-
એપ્રિલ 2016 માં NPCI દ્વારા શરૂ કરાયેલ UPI એ ડિજિટલ અર્થતંત્રનું ચિત્ર બદલ્યું
-
જુલાઈ 2026 માં એક જ મહિનામાં ₹29.88 લાખ કરોડના રેકોર્ડ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ થયા
-
JAM ત્રિપુટી દ્વારા છેવાડાના નાગરિકો સુધી બેંકિંગ સુવિધાઓ પહોંચાડવામાં સફળતા
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
છેલ્લા 10 વર્ષમાં ભારતે ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે એક ઐતિહાસિક ક્રાંતિ જોઈ છે, જેનું મુખ્ય ચાલક બળ 'યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ' (UPI) રહ્યું છે. એપ્રિલ 2016 માં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા શરૂ કરવામાં આવેલું UPI આજે વિશ્વની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ બની ચૂક્યું છે. માત્ર મોબાઈલ નંબર, QR કોડ કે UPI ID ની મદદથી સેકન્ડોમાં નાણાં ટ્રાન્સફર કરવાની આ વ્યવસ્થાએ સામાન્ય નાગરિકથી લઈને મોટા વેપારીઓ સુધી તમામને ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડ્યા છે. UPI ના સફળ 10 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર આ સિદ્ધિને બિરદાવી હતી.
વર્ષ 2016-17 માં જ્યાં વાર્ષિક માત્ર 1.78 કરોડ વ્યવહારો થતા હતા, તે વધીને વર્ષ 2025-26 સુધીમાં 24,162 કરોડથી પણ વધુ નોંધાયા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અનુસાર વિશ્વના કુલ રિયલ-ટાઇમ પેમેન્ટ વ્યવહારોમાં એકલા UPI નો હિસ્સો 49 ટકા જેટલો છે. જુલાઈ 2026 માં જ UPI દ્વારા એક જ મહિનામાં ₹29.88 લાખ કરોડના 23.66 અબજ ટ્રાન્ઝેક્શન સફળતાપૂર્વક પ્રોસેસ થયા હતા.
ઈન્સ્ટન્ટ QR કોડ પેમેન્ટના કારણે નાના લારી-ગલ્લાવાળાથી માંડીને મોટા મોલ સુધી રોકડ વિનાના વ્યવહારો સુલભ બન્યા છે. જન ધન ખાતા, સરકારી આઈડી અને મોબાઈલની ત્રિપુટીએ નાણાકીય સમાવેશને છેવાડાના ગામો સુધી પહોંચાડ્યો છે, જેમાં આશરે 60 ટકા ટ્રાન્ઝેક્શન ₹500 થી ઓછી રકમના છે. આ પ્લેટફોર્મના આધારે દેશમાં મજબૂત ફિનટેક ઇકોસિસ્ટમ તૈયાર થઈ છે.
હાલમાં ભારતનું UPI નેટવર્ક દેશની 741 થી વધુ બેંકો સાથે જોડાયેલું છે. આ ઉપરાંત સિંગાપોર, યુએઈ, ફ્રાન્સ, શ્રીલંકા, નેપાળ અને માલદીવ્સ સહિતના 11 દેશોમાં પણ UPI સ્વીકાર્ય બન્યું છે. યુપીઆઈ લાઈટ, ઓટો પે અને ક્રેડિટ કાર્ડ લિંકિંગ જેવી નવીનતમ સુવિધાઓ સાથે ભારતનું આ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) આજે સમગ્ર વિશ્વ માટે ઉત્કૃષ્ટ રોલ મોડેલ બન્યું છે.
UPI ના 10 વર્ષ: વૈશ્વિક સ્તરે ડિજિટલ ક્રાંતિ
NPCI દ્વારા 2016 માં શરૂ થયેલ UPI 10 વર્ષમાં વિશ્વની સૌથી મોટી પેમેન્ટ સિસ્ટમ બની છે. વૈશ્વિક રિયલ-ટાઇમ પેમેન્ટમાં 49% હિસ્સો ધરાવતી આ સિસ્ટમમાં 741 બેંકો જોડાઈ છે. ફ્રાન્સ, યુએઈ અને સિંગાપોર સહિત 11 દેશોમાં વિસ્તરેલું UPI આજે વૈશ્વિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું શ્રેષ્ઠ મોડેલ સાબિત થયું છે.