મેંદરડામાં વરસાદ ખેંચાતાં પાક સુકાયો: કૂવાના તળ ઊંડા ઉતરતાં ખેડૂતો મુશ્કેલીમાં
-
કૂવાઓમાં પાણીના સ્તર ઊંડા જતાં વીજળી હોવા છતાં પિયત આપવું બન્યું અશક્ય
-
મગફળીમાં સુયા ફૂટવાના સમયે જ વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ
-
થ્રિપ્સ-ઈયળનો રોગચાળો અને જંગલી ભૂંડના ત્રાસથી ખેડૂતોની દશા બેઠી
સિટી ન્યુઝ @ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં ચાલુ ચોમાસાની સીઝનમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. ખાસ કરીને મેંદરડા તાલુકાના ખેડૂતો ભારે આર્થિક સંકટ અને ચિંતામાં મુકાઈ ગયા છે. સમયસર અને પૂરતો વરસાદ ન પડવાને કારણે મોંઘા ભાવના બિયારણો અને ખાતર નાખીને વાવેલો પાક ખેતરોમાં જ સુકાઈ રહ્યો છે, જેના લીધે ખેડૂતો દ્વારા કરાયેલો મોટો ખર્ચ માથે પડે તેવી ગંભીર સ્થિતિ નિર્માણ પામી છે.
સ્થાનિક ખેડૂત પરસોતમભાઈ ઢેબરીયાના જણાવ્યા અનુસાર, જુલાઈ મહિનાની શરૂઆતમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ ઉત્સાહભેર મગફળી, સોયાબીન અને અડદનું વાવેતર કર્યું હતું. વાવેતર અને ખેતી કામ પાછળ પ્રતિ વીઘે ₹10,000 થી ₹12,000 નો ખર્ચ થયો હતો. જોકે ત્યારબાદ વરસાદે લાંબો વિરામ લેતાં પાકની સ્થિતિ દિવસેને દિવસે બગડતી ગઈ છે. મગફળીમાં હાલ સુયા ફૂટવાનો મુખ્ય સમય છે, પરંતુ જમીનમાં ભેજના અભાવે સુયા બેસતા નથી. આ સાથે ઈયળ અને થ્રિપ્સ જેવા રોગો વધતાં મોંઘી દવાઓ છાંટવી પડી રહી છે.
બીજી તરફ ભૂગર્ભ જળના તળ ઊંડા ઉતરી જતાં કૂવાઓમાં પાણી ખૂટી ગયા છે. ખેડૂત ભાવિનભાઈએ વ્યથા ઠાલવતાં જણાવ્યું કે સરકાર દ્વારા 10 કલાક કૃષિ વીજળી અપાતી હોવા છતાં કૂવામાં પાણી ન હોવાથી પિયત આપવું અશક્ય બન્યું છે. ઉપરાંત રાત્રિના સમયે જંગલી ભૂંડો દ્વારા ઊભા પાકને ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, જેના કારણે મગફળીનો સંપૂર્ણ વિકાસ રુંધાઈ ગયો છે.
ઘણા ખેડૂતોએ વીઘે ₹20,000 સુધીનો ખર્ચ કરી નાખ્યો હોવા છતાં પાક સુકાઈને બળી જતાં હવે નાછૂટકે ખેતરો ખેડી નાખવાની ફરજ પડી રહી છે. પરિવારનું ગુજરાન અને પશુઓના ઘાસચારાની ગંભીર ચિંતા વચ્ચે ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક કૃષિ સર્વે કરાવી યોગ્ય આર્થિક વળતર અને રાહત પેકેજ આપવા માંગ કરી છે.
મેંદરડામાં વરસાદ ખેંચાતાં પાક સુકાયો: ખેડૂતો પાયમાલ
જૂનાગઢના મેંદરડા પંથકમાં વરસાદના અભાવે મગફળી, સોયાબીન અને અડદનો પાક સુકાઈ ગયો છે. કૂવાના તળ ઊંડા જતાં પિયત અટકી ગયું છે અને રોગચાળાના કારણે વીઘે ₹20,000 નો ખર્ચ માથે પડ્યો છે. ખેડૂતો નાછૂટકે ખેતરો ખેડી રહ્યા છે અને સરકારે તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય વળતર આપવા માંગ ઉઠાવી છે.