વડોદરા જેલમાં ધારાસભ્ય ચૈતર વસાવાને 4 બહેનોએ રાખડી બાંધી, ભાઈઓએ આપી તુલસીના છોડની ભેટ
-
વડોદરા મધ્યસ્થ જેલમાં 1,700 કેદીઓ માટે વિશેષ આયોજન, ભેટમાં અપાયા તુલસીના રોપા
-
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી વહેલા મુક્ત થાય તેવી બહેનોએ પ્રાર્થના કરી
-
સાબરમતી જેલમાં નોંધણી કરાવેલી હજારો બહેનોએ સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી રાખડી બાંધી
સિટી ન્યુઝ @ વડોદરા
રાજ્યભરની જેલોમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અત્યંત ભાવુક અને સંવેદનશીલ દ્રશ્યો સર્જાયા હતા. સુરત સબજેલ, વડોદરા મધ્યસ્થ જેલ તેમજ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા અને કાચા કામના કેદી ભાઈઓને રાખડી બાંધવા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં બહેનો પહોંચી હતી.
સુરત સબજેલમાં ધર્મ અને સંપ્રદાયના સીમાડા ઓળંગતો ભાઈ-બહેનનો અતૂટ પ્રેમ જોવા મળ્યો હતો. અહીં જેલમાં બંધ પોતાના ભાઈને રાખડી બાંધવા પહોંચેલી એક મુસ્લિમ બહેન પવિત્ર રક્ષાસૂત્ર બાંધ્યા બાદ એટલી હદે લાગણીવશ બની ગઈ હતી કે તે ભાઈને વળગીને ચોધાર આંસુએ રડી પડી હતી અને હાથ છોડવા તૈયાર ન હતી. ભાઈ-બહેન વચ્ચેના આ હૃદયદ્રાવક આક્રંદને જોઈને આખરે જેલ સ્ટાફ અને પોલીસકર્મીઓએ વચ્ચે પડી બહેનને ભારે હૈયે સાંત્વના આપી બહાર મોકલી હતી.
બીજી તરફ, વડોદરા મધ્યસ્થ જેલમાં બંધ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને તેમની ચાર બહેનોએ પહોંચીને રાખડી બાંધી હતી અને તેઓ વહેલી તકે જેલમુક્ત થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરી હતી. વડોદરા જેલમાં 1,700 જેટલા કેદીઓ માટે વિશેષ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે કેદી ભાઈઓ તરફથી બહેનોને ભેટ સ્વરૂપે તુલસીના છોડ અર્પણ કરવામાં આવ્યા હતા.
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી વિશેષ વ્યવસ્થા હેઠળ 3 હજારથી વધુ કેદીઓને તેમની બહેનોએ રાખડી બાંધી હતી. મુલાકાત દરમિયાન બહેનોએ ભાઈઓને ગુનાહિત માર્ગ છોડવા સમજાવ્યા હતા, જેના જવાબમાં અનેક કેદીઓએ જેલમાંથી બહાર આવીને પરિવાર સાથે સન્માર્ગે નવું જીવન શરૂ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉપરાંત અમદાવાદ પોલીસની 'She Team' દ્વારા શહેર પોલીસ કમિશનરને રાખડી બાંધી સુરક્ષા પર્વની ઉજવણી કરાઈ હતી.
જેલોમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી
સુરત, વડોદરા અને અમદાવાદની જેલોમાં હજારો બહેનોએ કેદી ભાઈઓને રાખડી બાંધી હતી. સુરતમાં મુસ્લિમ બહેને ભાઈને રક્ષાસૂત્ર બાંધી અખંડ સ્નેહ વ્યક્ત કર્યો હતો, જ્યારે વડોદરામાં ધારાસભ્ય ચૈતર વસાવાને 4 બહેનોએ રાખડી બાંધી હતી. કેદી ભાઈઓએ બહેનોને તુલસીના છોડ ભેટ આપ્યા હતા અને ગુનાખોરી છોડી સન્માર્ગે જીવવાની ખાતરી આપી હતી.