રોટલી પર વધુ પડતું ઘી ખાવાની આદત નુકસાનકારક
-
સેચુરેટેડ ફેટ અને કેલેરીનું પ્રમાણ વધી જાય છે
-
લાંબા સમય સુધી ખોટા ડાયટથી હાર્ટ પર જોખમ
-
ઘી ખાવાનું બંધ કરવાની નહીં પણ માત્રા જાળવવાની જરૂર
સિટી ન્યુઝ @ રાજકોટ
ભારતીય ઘરોમાં ગરમાગરમ રોટલી પર ઘી લગાવીને ખાવું ખૂબ જ સામાન્ય વાત છે. ઘણા લોકોને રોટલી પર એટલું બધું ઘી પસંદ હોય છે કે તેઓ આખી રોટલી ઘીથી પલાળીને ખાય છે. ઘી ભોજનનો સ્વાદ વધારવાની સાથે તેમાં ફેટ પણ સામેલ કરે છે, પરંતુ તેની માત્રાનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે, જરૂરિયાત કરતાં વધુ ઘીનું સેવન શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
જો દરરોજ જરૂરિયાતથી વધુ ઘી ખાવામાં આવે અને સાથે જ બાકીના ભોજનમાં પણ તેલ, માખણ કે અન્ય ફેટ્સની માત્રા વધુ હોય, તો શરીરની કુલ કેલેરી અને સેચુરેટેડ ફેટનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. લાંબા સમય સુધી આવું અનિયંત્રિત ડાયટ ચાલુ રાખવાથી હાર્ટના સ્વાસ્થ્ય પર માઠી અસર પડવાનો ખતરો નોંધપાત્ર રીતે વધી જાય છે.
વધુ ઘી ખાવાથી વધે છે સેચુરેટેડ ફેટ
ઘીમાં સેચુરેટેડ ફેટની માત્રા વધુ હોય છે. જો તમે રોટલી પર વધુ ઘી લગાવો છો અને સાથે ભોજનમાં તેલ કે માખણનું પણ સેવન કરો છો તો દિવસભરમાં સેચુરેટેડ ફેટની માત્રા વધી શકે છે. તેથી સ્વાદ માટે થોડું બરાબર છે, પરંતુ વધુ ઘીનું સેવન સારૂ નથી.
ડાયટમાં લાંબા સમય સુધી વધુ સેચુરેટેડ ફેટ લેવાથી લોહીમાં LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે. વધુ LDL કોલેસ્ટ્રોલ હાર્ટની બીમારીનો ખતરો માનવામાં આવે છે. તેથી જો કોઈ વ્યક્તિ પહેલાથી વધુ ફેટયુક્ત ભોજન કરે છે તો તેણે ઘીની માત્રા પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
વજન વધારવાનું પણ બની શકે છે કારણ
ઘીમાં કેલેરીની માત્રા વધુ હોય છે. તેવામાં રોટલી પર વારંવાર વધુ ઘી લગાવ્યા બાદ ખાવાથી કેલેરી વધે છે. જો શરીર જેટલી કેલેરી ખર્ચ કરે છે, તેનાથી વધુ કેલેરી સતત મળતી રહે તો વજન વધી શકે છે. તેથી વજનને કંટ્રોલમાં રાખવું હોય તો ઘીની માત્રાની સાથે દિવસભરની કેલેરી પર ધ્યાન આપવું જરૂરી છે.
ઘી સંપૂર્ણ રીતે બંધ કરવાની જરૂર નથી
ઘીને જોઈને ગભરાવાની જરૂર નથી. સંતુલિત ડાયટમાં થોડી ઘીની માત્રા લઈ શકાય છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે ઘીનું વધુ સેવન કરો અને સાથે અન્ય ફેટયુક્ત પદાર્થનું પણ સેવન કરો. તેથી રોટલી પર થોડું ઘી લગાવવું સારો વિકલ્પ છે.
કેટલી માત્રા યોગ્ય છે?
ઘીની જરૂર દરેક વ્યક્તિના ભોજન, ઉંમર, વજન અને દરરોજની ગતિવિધિ પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે. તેથી કોઈ એક માત્રા બધા માટે યોગ્ય ન હોઈ શકે. જો તમારા ડાયટમાં પહેલાથી તેલ, માખણ, ક્રી કે બીજા ફેટવાળા ખાદ્ય પદાર્થ સામેલ છે તો ઘીની માત્રા ઓછી રાખવી યોગ્ય છે. સ્વાદ માટે થોડું ઘી લો, પરંતુ રોટલીને ઘીમાં પલાળવાથી બચો.