પાસપોર્ટ ઓફિસે રૂબરૂ જઈ પ્રોસેસ કરી તોય બન્યો નકલી પાસપોર્ટ!
- અમેરિકા જવાની ઘેલછામાં પરિણીતા છેતરાઈ, કલોલના ઠગ એજન્ટે આચરી મોટી છેતરપિંડી
- લગ્ન બાદ પાસપોર્ટમાં પતિનું નામ ચડાવવા જતાં ઓફિસની નોટિસે ખોલી ભોડી પટેલની પોલ
- એજન્ટ જશવંત પટેલનું મોટું કારસ્તાન, જાણ બહાર બીજો પાસપોર્ટ કઢાવી લીધો
સિટી ન્યુઝ @ ગાંધીનગર
વિદેશ જવાના મોહમાં નાગરિકો અવારનવાર ઠગબાજોની જાળમાં ફસાઈ જતા હોય છે, પરંતુ ગાંધીનગરમાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાના વિઝિટર વિઝા મેળવવા માટે ખુદ પાસપોર્ટ ઓફિસે રૂબરૂ જઈને સહી અને ફિંગરપ્રિન્ટ આપ્યા હોવા છતાં, કલોલના એક ગઠિયા એજન્ટે પરિણીતાની જાણ બહાર જ તેના નામે બીજો એક બોગસ પાસપોર્ટ કઢાવી લીધો હતો. લગ્ન બાદ પોતાના ઓરિજિનલ પાસપોર્ટમાં પતિનું નામ ચડાવવા જતાં પાસપોર્ટ ઓફિસની નોટિસે આ આખા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ મામલે ગાંધીનગરની ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના રાયસણ ખાતે રહેતા 32 વર્ષીય રીતુબેન ચૌધરીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. રીતુબેનની અમેરિકાની વિઝા ફાઈલ વારંવાર રિજેક્ટ થતી હોવાથી, ડિસેમ્બર 2024 માં તેમનો સંપર્ક કલોલના પાલીયાદ ગામના એજન્ટ જશવંતકુમાર પટેલ ઉર્ફે ભોડી પટેલ સાથે થયો હતો. જશવંતે કાયદેસરના વિઝા અપાવવાની ખાતરી આપી 10,000 રૂપિયા પડાવી લીધા હતા. એક મહિના પછી તેણે રીતુબેનને અમદાવાદની મીઠાખળી પાસપોર્ટ ઓફિસે બોલાવી નવો પાસપોર્ટ કઢાવવાના બહાને તેમના અસલી ફિંગરપ્રિન્ટ અને સહી કરાવી લીધા હતા અને ત્યારબાદ પોતાનો ફોન બંધ કરી દીધો હતો.
લગ્ન બાદ અમેરિકા રહેતા પતિ પાસે જવા માટે રીતુબેને પોતાના ઓરિજિનલ પાસપોર્ટમાં પિતાના બદલે પતિનું નામ ચડાવવા ઓનલાઈન અરજી કરી હતી. આ અરજીના આધારે જૂન 2026 માં પાસપોર્ટ ઓફિસે નોટિસ ફટકારી કે તેમણે અન્ય 1 પાસપોર્ટ ઇશ્યૂ કરાવ્યો હોવાની વિગતો છુપાવી છે. તપાસ કરતા ખબર પડી કે ઠગ એજન્ટ જશવંત પટેલે રીતુબેનના ડેટા અને ફિંગરપ્રિન્ટનો દુરુપયોગ કરીને તેમની જાણ બહાર જ નકલી પાસપોર્ટ બનાવીને વિશ્વાસઘાત કર્યો હતો.
કબૂતરબાજી અને નકલી પાસપોર્ટની વધી રહેલી ફરિયાદો
ગુજરાતમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા કે કેનેડા મોકલવાના કબૂતરબાજીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. એજન્ટો લોકોની લાચારી અને વિદેશ જવાની ઘેલછાનો સીધો ફાયદો ઉઠાવીને લાખો રૂપિયા તો પડાવે જ છે, સાથે નકલી દસ્તાવેજો બનાવીને તેમને મોટા કાયદાકીય ગુનામાં પણ ફસાવી દે છે. લોકોએ આવા લેભાગુ એજન્ટોથી ચેતવું જોઈએ અને કોઈપણ અજાણ્યા વ્યક્તિને પોતાના અગત્યના ડોક્યુમેન્ટ કે ફિંગરપ્રિન્ટ આપતા પહેલા પૂરતી કાળજી લેવી જોઈએ.