Loading Please Wait !!!
નાણામંત્રી નિર્મલા સીતારામનની કરદાતાઓ માટે મોટી જાહેરાત: ઈમાનદાર કરદાતાઓની કામગીરી આસાન બનાવો!

 

  • નાણામંત્રી નિર્મલા સીતારામને ઇન્કમટેક્સ ડે પ્રસંગે કરદાતાઓ માટે પાંચ મહત્વની પ્રાથમિકતાઓ ગણાવી.

  • કરદાતાઓની ફરિયાદો પર પૂરી ગંભીરતાથી અને સમયમર્યાદામાં ધ્યાન આપવા પર ભાર મૂકવામાં આવ્યો.

  • સિસ્ટમને સતત સુધારવાથી ફરિયાદોનું પ્રમાણ ઘટી જશે અને કરદાતાઓને રાહત મળશે.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

નવી દિલ્હી, તા. 25 દેશમાં આવકવેરો રિટર્ન અને ખરેખર વેરો ભરનારની સંખ્યા સતત વધી રહી છે, તે સમયે નાણામંત્રી નિર્મલા સીતારામને આવકવેરા અધિકારીઓને ઈમાનદાર કરદાતાઓની કામગીરી વધુ આસાન કરવા માટે ખાસ સલાહ આપી છે. 167મા ઇન્કમટેક્સ ડે સાથે જોડાયેલા એક સમારોહમાં નાણામંત્રીએ કરદાતા અને કરવેરા સંબંધિત પાંચ મહત્વની પ્રાથમિકતાઓ ગણાવતા સમયે આ દિશાનિર્દેશો આપ્યા હતા. ખાસ કરીને કરચોરો સામે આકરી કાર્યવાહી કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું જણાવ્યું હતું કે કોઈ પણ પ્રમાણિક કરદાતા દંડાઈ ન જાય.

નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે દરેક કરદાતા સાથે જોડાયેલી સમસ્યાને ઝડપથી પારખી લેવી જોઈએ. કરદાતા તરફથી રજૂ થતી કોઈપણ ફરિયાદ પર ઝડપથી અને પૂરી ગંભીરતાથી ધ્યાન આપવું અનિવાર્ય છે. અધિકારીઓએ કરદાતા સામે કોઈપણ પગલાં સંપૂર્ણ વિનમ્રતા અને સ્પષ્ટતા સાથે લેવા જોઈએ, અને જો ફરિયાદ યોગ્ય જણાય તો તેને ચોક્કસ સમયમર્યાદામાં દૂર કરવી જોઈએ. જો એક જ પ્રકારની ફરિયાદો વારંવાર સામે આવે તો તેના મૂળ કારણ સુધી પહોંચીને સિસ્ટમને સતત સુધારવાની જરૂર છે જેથી ફરિયાદોનું પ્રમાણ ઘટી શકે.

અભિગમ વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે આપણો હેતુ ઈમાનદાર કરદાતા માટે પ્રક્રિયા સરળ બનાવવાનો હોવો જોઈએ અને જો ભૂલથી કોઈ ભૂલ થઈ જાય તો તેને સુધારવાની યોગ્ય તક પણ મળવી જોઈએ. આવકવેરા વિભાગને એ સ્પષ્ટ ખ્યાલ હોવો જરૂરી છે કે કોણ ઈરાદાપૂર્વક કરચોરી કરી રહ્યું છે અને કોણ અજાણતા ભૂલ કરી બેઠું છે.

ચાલુ નાણાકીય વર્ષની સ્થિતિ વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું કે 21 જુલાઈ સુધીમાં દેશમાં 3.2 કરોડ આઈટી રિટર્ન ફાઈલ થઈ ચૂક્યા છે, જેમાંથી 94% રિટર્નની ચકાસણી પણ પૂર્ણ થઈ ગઈ છે. આ ઉપરાંત 40% પ્રોસેસીંગ એટલે કે રિફંડ પણ તૈયાર કરીને સંબંધિત કરદાતાઓને મોકલી આપવામાં આવ્યા છે. ટેક્સ વિભાગની નિષ્પક્ષતા પર લોકોનો ભરોસો વધારવા અને સમયસર નાણા પરત મળવાથી કરદાતાઓની સુવિધામાં મોટો વધારો થયો છે. હાલમાં કરદાતાઓની ફરિયાદોના નિકાલનો સરેરાશ સમય પણ માત્ર 42 દિવસનો જ રહ્યો છે.

કરદાતાઓની સુવિધા અને પારદર્શિતા વધારવા તરફ મહત્વનું પગલું

નાણામંત્રીના આ માર્ગદર્શક સિદ્ધાંતોથી કરદાતાઓ અને આવકવેરા વિભાગ વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનશે તેમજ ટેક્સ કમ્પ્લાયન્સ પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનશે.