ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણમાં મોટો વધારો
-
બે વર્ષમાં ગિફ્ટ સિટીમાં 60,354 લિટર દારૂ વેચાયો
-
વિદેશી દારૂ પર VAT 65 ટકાથી ઘટાડીને 25 ટકા કરાયો
-
પેપર લીક મામલે છેલ્લા બે વર્ષમાં બે આરોપીઓ ઝડપાયા
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે વિપક્ષ દ્વારા પેપર લીક, આદિવાસી પ્રમાણપત્રોની ખરાઈ, રક્તપિત્ત, CCTV સુરક્ષા અને ખાદ્યપદાર્થોમાં ભેળસેળ જેવા વિવિધ મુદ્દે સરકારને સવાલો કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા લેખિત તેમજ ગૃહમાં આપવામાં આવેલા જવાબોમાં અનેક ચોંકાવનારા અને મહત્વના આંકડા સામે આવ્યા છે, જેમાં ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણનો મુદ્દો ટોચ પર રહ્યો હતો.
ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂના વેચાણ અંગે રજૂ થયેલા આંકડા મુજબ, છેલ્લા બે વર્ષ દરમિયાન વાઈન એન્ડ ડાઈન ફેસિલીટીમાં કુલ 60,354 લિટર વિદેશી દારૂનું વેચાણ થયું છે, જેનાથી રાજ્ય સરકારને રૂ. 87.39 લાખથી વધુની આવક થઈ છે. આ સાથે જ સરકારે ગિફ્ટ સિટીમાં વેચાતા વિદેશી દારૂ પરનો VAT 65 ટકાથી ઘટાડીને 25 ટકા કરી દીધો છે.
બીજી તરફ, 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે રમતગમત વિભાગે રૂ. 301 કરોડની ફાળવણી કરી હોવાની જાહેરાત કરી છે. ગેમ્સના આયોજન માટે હોસ્ટ કોલેબોરેશન એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે અને ‘Amdavad 2030 Commonwealth Games Organisation’ નામની કંપનીની રચના માટે મહત્વપૂર્ણ ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે.
સરકારી ભરતી પરીક્ષાઓમાં પેપર લીકના મુદ્દે ગૃહ વિભાગે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં માત્ર બે આરોપીઓની ધરપકડ થઈ છે અને બે આરોપીઓ હજુ ફરાર છે. જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા છેલ્લા 6 મહિનામાં 90 દરોડા પાડીને 133 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને રૂ. 84,80,482ની રકમ જપ્ત કરાઈ છે.
આદિવાસી પ્રમાણપત્રોની ખરાઈ અંગે આદિજાતિ વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે 1 ઓગસ્ટ 2024થી 31 જુલાઈ 2026 સુધીમાં કુલ 75 જેટલા ખોટા આદિજાતિ પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. ગાંધીનગર-2 વિશ્લેષણ સમિતિ સમક્ષ આવેલી 1,776 અરજીઓમાંથી 619 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હોવાની માહિતી પણ ગૃહમાં આપવામાં આવી હતી.
વિધાનસભા સત્રમાં ખુલાસા
વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન સરકારે વિવિધ વિભાગોના આંકડા રજૂ કરીને રાજ્યની વર્તમાન સ્થિતિ સ્પષ્ટ કરી છે. ગિફ્ટ સિટીમાં દારૂના વધતા વેચાણથી લઈને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ અને એસીબીની સઘન કાર્યવાહી સુધીના મુદ્દાઓએ રાજકીય અને પ્રશાસકીય સ્તરે ભારે ચર્ચા જગાવી છે.