Loading Please Wait !!!
દહેગામ સગીરા દુષ્કર્મ કેસમાં પોક્સો કોર્ટ કડક: આર્યન રબારીને 20 વર્ષની સખત કેદ

 

  • ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી અલ્પેશ ઉર્ફે આર્યન રબારીને સખત સજા સંભળાવી

  • 26 જૂન 2021 ના રોજ જાગરણના બહાને 13 વર્ષની માસૂમ સગીરાનું કર્યું હતું અપહરણ

  • કારમાં જુદી-જુદી જગ્યાએ લઈ જઈ ગોંધી રાખી વારંવાર શારીરિક શોષણ આચર્યું હતું

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 વર્ષની સગીરાનું અપહરણ કરી તેના પર વારંવાર શારીરિક શોષણ આચરવાના ચકચારી કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે કડક વલણ દાખવ્યું છે. અદાલતે આરોપી અલ્પેશ ઉર્ફે આર્યન લીલાભાઈ રબારી (દેસાઈ)ને તમામ આરોપોમાં દોષિત ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા તેમજ કુલ રૂ. 30,000 ના દંડનો હુકમ કર્યો છે.

સમગ્ર ઘટનાની વિગત મુજબ, 26 જૂન 2021 ની રાત્રે અમદાવાદના નિકોલ ગામ સ્થિત મહાદેવ વાસમાં રહેતા આરોપી અલ્પેશ ઉર્ફે આર્યન રબારીએ કૃષ્ણનગર કાઠી ગામમાંથી જાગરણ કરવાના બહાને લલચાવી-ફોસલાવીને 13 વર્ષીય સગીરાનું અપહરણ કર્યું હતું.

અપહરણ કર્યા બાદ સગીરાને ગોંધી રાખવાના ઈરાદે અન્ય સાથીદાર ઘનશ્યામસિંહ સાથે ગાડીમાં બેસાડીને વિવિધ સ્થળોએ લઈ જવામાં આવી હતી. જ્યાં આરોપીઓએ મદદગારી કરીને માસૂમ બાળકી પર વારંવાર અમાનવીય દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિતાના પિતાએ દહેગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી 30 જૂન 2023 ના રોજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે હાજર રહેલા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સુનિલ એસ. પંડ્યાએ અદાલતમાં ધારદાર દલીલો કરી હતી કે બનાવ સમયે ભોગ બનનાર માત્ર 13 વર્ષની માસૂમ બાળકી હતી. આવા ગંભીર અપરાધો સમાજના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી હોવાથી આરોપી સામે કડક દાખલારૂપ સજા થવી અનિવાર્ય છે.

અદાલતે સરકારી પક્ષની તમામ દલીલો અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને રાખી આરોપીને પોક્સો એક્ટ તેમજ અન્ય સંબંધિત કલમો હેઠળ 20 વર્ષની સખત કેદની સજા ફટકારીને કાયદાનું કડક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દહેગામ સગીરા દુષ્કર્મ કેસમાં 20 વર્ષની સજા

ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે દહેગામમાં 13 વર્ષની કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં અલ્પેશ ઉર્ફે આર્યન રબારીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદ અને રૂ. 30,000 નો દંડ ફટકાર્યો છે. વર્ષ 2021 માં જાગરણના બહાને સગીરાનું અપહરણ કરી શારીરિક શોષણ કરાયું હતું, જેમાં સરકારી વકીલની દલીલોને આધારે કોર્ટે કડક ચુકાદો આપ્યો છે.