મંજૂરી વિના સ્કૂલ બંધ કરશો તો ₹20 લાખનો દંડ: ગુજરાત વિધાનસભામાં રજૂ થશે નવું શિક્ષણ બિલ
-
વિધાનસભાના ચોમાસુ સત્રમાં 'ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા બિલ' રજૂ થશે
-
6 મહિના અગાઉ મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરનાર સામે ₹1 હજારનો દંડ વધારીને ₹20 લાખ કરાયો
-
કોઈ પણ શિક્ષક કે આચાર્યને કારણ વગર સસ્પેન્ડ નહીં કરી શકાય, બોર્ડે 45 દિવસમાં નિર્ણય લેવો પડશે
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 1972ના 'ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ'માં મોટા પાયે વ્યાપક સુધારા કરવામાં આવ્યા છે. આગામી વિધાનસભાના ચોમાસુ સત્રમાં આ મહત્વકાંક્ષી સુધારા બિલ સત્તાવાર રીતે ગૃહમાં રજૂ કરવામાં આવશે. નવા સુધારા બિલ અનુસાર, ગુજરાત શિક્ષણ બોર્ડની પૂર્વ મંજૂરી કે રજિસ્ટ્રેશન વિના ધમધમતી શાળાઓ તેમજ નિયમોને નેવે મૂકીને મનસ્વી રીતે અચાનક સ્કૂલો બંધ કરી દેતા સંચાલકો સામે કડક દંડ અને જેલની સજા સહિતની આકરી જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે.
નવા બિલમાં દંડની રકમમાં અભૂતપૂર્વ વધારો કરવામાં આવ્યો છે. બોર્ડની માન્યતા કે રજિસ્ટ્રેશન વગર સ્કૂલ ચલાવનારા સંચાલકો સામે અગાઉ માત્ર ₹1 થી 2 લાખના દંડની જોગવાઈ હતી, જે વધારીને હવે ₹10 થી ₹15 લાખ સુધીનો દંડ અને 1 થી 2 વર્ષની જેલની સજા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, નિયમોનું ઉલ્લંઘન કરીને આચાર્ય કે શિક્ષકોની ગેરકાયદે ભરતી કરવા બદલ અગાઉ લેવાતો ₹10 હજારનો દંડ વધારીને સીધો ₹10 લાખ કરવામાં આવ્યો છે.
સૌથી મહત્વનો ફેરફાર સ્કૂલ બંધ કરવાના નિયમમાં કરાયો છે. કોઈપણ શાળા બંધ કરવા માટે સંચાલકે શિક્ષણ બોર્ડને 6 મહિના અગાઉ વિધિવત નોટિસ આપીને પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત છે. જો મંજૂરી લીધા વગર મનસ્વી રીતે સ્કૂલ બંધ કરી દેવાશે તો સંચાલકને ₹20 લાખ સુધીનો જંગી દંડ અને જેલની સજા ભોગવવી પડશે, જે દંડ અત્યાર સુધી માત્ર ₹1 હજાર જેટલો નજીવો હતો. આ સાથે શિક્ષકોના રક્ષણ માટે સંચાલકો કોઈ શિક્ષક કે આચાર્યને યોગ્ય કારણ વિના સસ્પેન્ડ નહીં કરી શકે અને આવા કેસમાં બોર્ડે 45 દિવસની અંદર આખરી નિર્ણય લેવાનો રહેશે.
સુધારા બિલ મુજબ ગ્રાન્ટેડ સ્કૂલોમાં મોટા પાયે ખાલી પડેલી વર્ગ-3 (ક્લાર્ક અને બિનશૈક્ષણિક સ્ટાફ) ની જગ્યાઓ ભરવા માટેના નિયમો, પસંદગી પદ્ધતિ અને લાયકાતો નક્કી કરવાની સંપૂર્ણ સત્તા હવે સરકારે પોતાના હસ્તક લઈ લીધી છે. આ ઉપરાંત બિલમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ એજ્યુકેટર્સની ભરતી અને સેવા-શરતોનો કાયદેસર સમાવેશ કરાયો છે. સાથે જ ગ્રાન્ટેડ શાળાઓને કાયદાકીય રીતે 'ખાનગી' સંસ્થાઓના બદલે 'સરકાર સહાયિત' શાળાઓ તરીકેનો નવો સત્તાવાર દરજ્જો આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
સ્કૂલ મનસ્વી રીતે બંધ કરવા પર ₹20 લાખ દંડ
ગુજરાત સરકારે 1972ના શિક્ષણ બિલમાં મોટા સુધારા કર્યા છે. માન્યતા વગર સ્કૂલ ચલાવવા પર ₹15 લાખ સુધીનો દંડ અને 2 વર્ષની જેલ થશે, જ્યારે પૂર્વ મંજૂરી વગર સ્કૂલ બંધ કરવા પર ₹20 લાખનો દંડ ફટકારાશે. ગ્રાન્ટેડ સ્કૂલોમાં ક્લાર્ક ભરતીની સત્તા સરકારે હસ્તક લીધી છે અને શિક્ષકોની ગેરકાયદે નિમણૂક પર ₹10 લાખ દંડ થશે.