ગુજરાતની સૌથી નાની ગણેશ પ્રતિમા: વડોદરાના ભક્ત મુંબઈથી 1 ઇંચની મૂર્તિ લાવ્યા
-
ગોરવાના હિતેશ પટેલ મુંબઈના મૂર્તિકાર નિલેશ મિસ્ત્રી પાસેથી ખાસ મૂર્તિ તૈયાર કરાવી લાવ્યા
-
દેશભરમાં બનેલી આવી માત્ર 11 મૂર્તિઓ પૈકી ગુજરાત અને વડોદરામાં આ પ્રથમ પ્રતિમા
-
ઝાંસી રાણી સર્કલથી ગોરવા સુધી ડીજેના તાલે ધામધૂમથી ગણપતિજીનું સ્વાગત કરવામાં આવ્યું
સિટી ન્યુઝ @ વડોદરા
રાજ્યભરમાં ગણેશોત્સવ દરમિયાન મોટાભાગના મંડળો 30 થી 40 ફૂટ ઊંચી વિરાટ મૂર્તિઓની સ્થાપના કરતા હોય છે, ત્યારે વડોદરાના એક અનોખા ગણેશ ભક્ત હિતેશ પટેલે માત્ર 1 ઇંચની માટીની ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ લાવીને સમગ્ર શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. મુંબઈથી લાવવામાં આવેલી આ અત્યંત નાની પ્રતિમાને ભક્તિભાવ અને ડીજેના તાલ સાથે વાજતે-ગાજતે વડોદરા સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવી હતી.
ગોરવા વિસ્તારમાં આવેલી જય બજરંગ સોસાયટીમાં રહેતા હિતેશ પટેલે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 10 વર્ષથી ગણેશોત્સવ દરમિયાન મુંબઈ દર્શન કરવા જતા હતા. ત્યાં એક ભક્તના ઘરે માત્ર 1 ઇંચની માટીની મૂર્તિ જોઈને તેમને પણ પોતાના ઘરે આવી નાની અને પર્યાવરણલક્ષી પ્રતિમા સ્થાપિત કરવાનો સંકલ્પ થયો હતો. આ માટે તેમણે 6 મહિના અગાઉ મુંબઈના જાણીતા મૂર્તિકાર નિલેશ મિસ્ત્રીને ઓર્ડર આપ્યો હતો. મૂર્તિમાં અત્યંત બારીક નકશીકામ હોવાના કારણે તેને બનાવવામાં પૂરા 6 મહિનાનો સમય લાગ્યો હતો.
આ નાનકડા બાપ્પાના સ્વાગત માટે ઝાંસી રાણી સર્કલથી ગોરવા સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હિતેશ પટેલના નિવાસસ્થાને ગણપતિ બાપ્પાની સ્થાપના માટે ભવ્ય કેદારનાથ મંદિરનું ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં 'બરોડાના છોટે રાજા' વિરાજમાન થશે. હિતેશ પટેલ છેલ્લા 4 વર્ષથી અલગ-અલગ થીમ સાથે ગણેશ સ્થાપના કરે છે અને આ વર્ષે પણ પરિવાર સાથે મળીને પૂજન-અર્ચન કરશે.
હિતેશ પટેલે જણાવ્યું હતું કે ભક્તિમાં પ્રતિમાનું કદ નહીં પરંતુ શ્રદ્ધા મહત્વની છે. 50 ફૂટની મૂર્તિ હોય કે 1 ઇંચની, બાપ્પા પ્રત્યેનો સાચો ભાવ જ ઈશ્વર સુધી પહોંચે છે. તેમણે તમામ ગણેશ ભક્તોને અપીલ કરી છે કે પર્યાવરણને બચાવવા અને જળ પ્રદૂષણ રોકવા માટે દરેક વ્યક્તિએ માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓની જ સ્થાપના કરવી જોઈએ. આ 1 ઇંચની મૂર્તિનું વિસર્જન પણ તેઓ પોતાના ઘરે જ સંપૂર્ણ ધાર્મિક વિધિપૂર્વક કરશે.
આ આગમન પ્રસંગે સ્થાનિક કોર્પોરેટર શ્રીરંગ આયરે અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સંસ્કારી નગરી વડોદરામાં આસ્થા મોટી અને મૂર્તિ નાની હોય તેવું અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું છે. દેશભરમાં મૂર્તિકાર દ્વારા આવી માત્ર 11 મૂર્તિઓ તૈયાર કરાઈ છે, જેમાંથી સમગ્ર ગુજરાતમાં આ એકમાત્ર પ્રતિમા છે જે આંગળીના ટેરવા જેટલી હોવા છતાં આબેહૂબ સુંદરતા ધરાવે છે.
વડોદરામાં 1 ઇંચની ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્થાપના
વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા હિતેશ પટેલ મુંબઈથી 1 ઇંચની માટીની ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા લાવ્યા છે. 6 મહિનાની મહેનત બાદ બનેલી આ નાની મૂર્તિ દેશની આવી માત્ર 11 મૂર્તિઓ પૈકી ગુજરાતમાં પ્રથમ છે. કેદારનાથ થીમ પર સ્થાપના કરી ઘરે જ વિસર્જન કરવાનો સંકલ્પ કરીને તેમણે પર્યાવરણ રક્ષણ અને સાચી ભક્તિનો ઉત્તમ સંદેશ આપ્યો છે.