રથયાત્રામાં સુરક્ષાનું હાઈટેક કવચ: દરેક હાથી પર CCTV અને ડેસિબલ મીટર
- અવાજના ઘોંઘાટ પર રહેશે કંટ્રોલ રૂમની નજર, ભડકેલા હાથીની ઘટના બાદ નિર્ણય
- ડેસિબલ મીટરથી અવાજની તીવ્રતા મપાશે, CCTV દ્વારા હાથીની હિલચાલ પર વોચ
- રૂટ પર ક્રાઈમ બ્રાન્ચનું પેટ્રોલિંગ અને કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદમાં આગામી 16મી જુલાઈએ નીકળનારી 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યંત સજ્જ આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે રથયાત્રા દરમિયાન ડીજે અને સિસોટીના અવાજથી હાથી બેકાબૂ બનવાની ઘટનામાંથી બોધપાઠ લઈને તંત્રએ આ વર્ષે તમામ 18 હાથીઓ માટે હાઈટેક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય લીધો છે. હવે રથયાત્રામાં સામેલ દરેક હાથી પર CCTV કેમેરા લગાવવામાં આવશે, જેથી કંટ્રોલ રૂમથી તેમની આસપાસની ગતિવિધિઓ પર સતત નજર રાખી શકાય.
આ સાથે જ, દરેક હાથી પર ડેસિબલ મીટર પણ લગાડવામાં આવશે, જે અવાજની તીવ્રતા માપશે. જો ડીજે કે બેન્ડનો અવાજ નિર્ધારિત મર્યાદા કરતાં વધી જશે, તો તાત્કાલિક પોલીસ અને આયોજકોને જાણ કરવામાં આવશે જેથી ઘોંઘાટને તુરંત બંધ કરાવી શકાય. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે સ્પષ્ટ સૂચના આપી છે કે રથયાત્રા દરમિયાન ઊંચા અવાજ કે ઘોંઘાટની બાબતે ખાસ તકેદારી રાખવામાં આવશે. આયોજનના ભાગરૂપે પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાન્ચ અને મ્યુનિસિપલ પદાધિકારીઓએ સમગ્ર રૂટનું નિરીક્ષણ કરી તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે.
રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે જમાલપુરથી સરસપુર સુધીના 8 કિલોમીટરના રૂટ પર એરિયા ડોમિનેશન અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. મેયર હિતેશ બારોટ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પણ તૈયારીઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. રથયાત્રા રૂટ પરના જર્જરિત મકાનો, રસ્તાઓનું સમારકામ અને વૃક્ષોના ટ્રિમિંગની કામગીરી અગાઉથી જ પૂર્ણ કરી દેવામાં આવી છે. પોલીસ અને કોર્પોરેશન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે અને પોલીસની સૂચનાઓનું પાલન કરે.