જૂનાગઢમાં ખેડૂતોના પ્રશ્ને કલેક્ટર-GEB ને આવેદન: સૌની યોજનાનું પાણી છોડવા ઉગ્ર માંગ
-
ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અને યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આવેદનપત્ર અપાયું
-
વિસાવદર, ભેસાણ અને જૂનાગઢના ડેમ-વોંકળામાં સૌની યોજનાનું પાણી તાકીદે છોડવા માંગ
-
વીજ ટ્રીપિંગ, બળેલા ટ્રાન્સફોર્મર અને અનિયમિત પાવર સામે ખેડૂતોમાં ભારે આક્રોશ
સિટી ન્યુઝ @ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં વરસાદ ખેંચાતાં ખેતી અને પશુપાલન સામે ગંભીર સંકટ ઊભું થયું છે. આ પરિસ્થિતિમાં ઊભા પાકને બચાવવા અને ખેડૂતોના હિતોના રક્ષણ માટે જિલ્લા કલેક્ટર કચેરી તેમજ PGVCL ના ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અને આપ નેતા યુવરાજસિંહ જાડેજાની સંયુક્ત આગેવાની હેઠળ ખેડૂતોના પ્રતિનિધિમંડળે સિંચાઈ માટે સૌની યોજનાનું પાણી તાત્કાલિક છોડવા, અનિયમિત વીજ પુરવઠો સુધારવા અને ખેતરોમાં નાખેલા 220 KV લાઇનના થાંભલાઓનું વળતર ચૂકવવા ઉગ્ર માંગ કરી હતી.
ચાલુ સિઝનમાં વરસાદના લાંબા વિરામથી પાક સુકાવાની અણી પર છે. ખેડૂતોએ માંગ કરી હતી કે વિસાવદર, ભેસાણ તેમજ જૂનાગઢ તાલુકાના તમામ નાના-મોટા ડેમ, નદીઓ, વોંકળા અને તળાવોમાં સૌની યોજનાનું પાણી યુદ્ધના ધોરણે ઠાલવવામાં આવે. કેનાલ નેટવર્ક હોવા છતાં છેવાડાના ગામો સુધી પાણી ન પહોંચતાં ખેડૂતોને બોર અને કૂવા પર નિર્ભર રહેવું પડે છે, જેનાથી ભૂગર્ભ જળસ્તર ઝડપથી નીચે જઈ રહ્યા છે.
વીજ તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરતાં જણાવાયું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં સતત ટ્રીપિંગ, અનિયમિત પાવર અને ટ્રાન્સફોર્મર (TC) બળી જવાના બનાવોમાં સમયસર સમારકામ થતું નથી. વીજ ચેકિંગ કે દંડ વસૂલવા વાહનોના કાફલા આવે છે, પરંતુ ફોલ્ટ સુધારવા માટે સ્ટાફ હોતો નથી. જો વીજ સમસ્યાઓનો તાકીદે ઉકેલ નહીં આવે તો GEB કચેરી સામે ખાટલા બેઠક યોજી ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી હતી. આ ઉપરાંત ખેતરોમાં નાખેલા 220 KV થાંભલાઓનું યોગ્ય વળતર ચૂકવવા અથવા તે હટાવવા માંગ કરાઈ હતી.
સમગ્ર રજૂઆત સંદર્ભે પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે વરસાદ ખેંચાવાના કારણે વીજળીની માંગ વધી છે. ખેતી માટે નિયમિત અને ગુણવત્તાયુક્ત પાવર સપ્લાય જળવાઈ રહે તેમજ સ્થાનિક ફોલ્ટ તાત્કાલિક રિપેર થાય તે માટે તંત્ર દ્વારા નક્કર વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
ખેડૂતોના પ્રશ્ને કલેક્ટર-GEB ને આવેદન
જૂનાગઢમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોએ ગોપાલ ઈટાલીયા અને યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં કલેક્ટર અને PGVCL ને આવેદન આપ્યું છે. સૌની યોજનાનું પાણી તાત્કાલિક ડેમોમાં છોડવા, વીજળીના ધાંધિયા દૂર કરવા અને 220 KV થાંભલાઓનું યોગ્ય વળતર ચૂકવવા માંગ કરાઈ છે. વીજ તંત્ર દ્વારા ખેતી માટે નિયમિત વીજ પુરવઠો આપવાની ખાતરી અપાઈ છે.