જૂનાગઢમાં કુખ્યાત વ્યાજખોર લખન કોડીયાતર ઝડપાયો
-
બિલ્ડરપુત્ર યશ માળીની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે કરી અટકાયત
-
2 થી 5 ટકા વ્યાજ વસૂલી પ્લોટ અને દુકાનો પડાવી લીધી હતી
-
પંચેશ્વર રોડ નવા પુલ નજીકથી વરલી મટકા સંચાલક મુદ્દામાલ સાથે પકડાયો
સિટી ન્યુઝ @ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર વ્યાજવટાવની પ્રવૃત્તિઓ જડમૂળથી નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલી સ્પેશિયલ ઝુંબેશ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. જાણીતા બિલ્ડર અશ્વિન માળીના પુત્ર યશ માળીએ નોંધાવેલી ફરિયાદના આધારે નામચીન વ્યાજખોર લખમણભાઈ ઉર્ફે લખન ઉર્ફે બબન નાથાભાઈ કોડીયાતરની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી સ્થાનિક વ્યાજખોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વર્ષ 2012 થી માસિક 2 થી 5 ટકાના ઊંચા વ્યાજે પૈસા આપીને પઠાણી ઉઘરાણી કરતો હતો. તેણે બળજબરીપૂર્વક દુકાનો, પ્લોટ અને જમીનોના દસ્તાવેજો પોતાના નામે લખાવી લીધા હતા તેમજ કોરા ચેક અને પ્રોમિસરી નોટો પડાવીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. રામચોક વિસ્તારમાંથી ઝડપાયેલા આ શખ્સ સામે ભૂતકાળમાં પણ વિવિધ પોલીસ મથકોમાં ગંભીર ગુના નોંધાયેલા છે.
બીજી તરફ, જૂનાગઢ 'A' ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પંચેશ્વર રોડ પર નવા પુલ નજીક સફળ દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા રફીકભાઈ સીદીકભાઈ સોઢાને ₹10,335 ની રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી લેવાયા હતા. આ કામગીરી PI એ.બી. ચૌધરી અને PSI વાય.એન. સોલંકીની ટીમે પાર પાડી હતી.
આ ઉપરાંત 'A' ડિવિઝન પોલીસે ખાપરા કોડીયાની ગુફા પાછળ ખુલ્લી જગ્યામાં 'તીન પત્તી રોન પોલીસ' નામનો ગંજીપત્તાનો જુગાર રમતા 5 ઈસમોને ₹15,030 ના મુદ્દામાલ સાથે રંગેહાથ પકડી પાડ્યા હતા. પકડાયેલા જુગારીઓમાં અલ્તાફભાઈ કુરેશી, હુસેનભાઈ સોલંકી, હનીફભાઈ મુલતાની, સબ્બીરભાઈ સિપાઈ અને કાનજીભાઈ ત્રાડાનો સમાવેશ થાય છે.
જૂનાગઢ પોલીસે તમામ કેસોમાં જુગારધારા અને વ્યાજખોરી વિરોધી કાયદા હેઠળ ગુના નોંધી આગળની કાનૂની તપાસ તેજ બનાવી છે. આ સાથે ક્રાઇમ બ્રાન્ચે જાહેરમાં અપીલ કરી છે કે આ વ્યાજખોર કે અન્ય કોઈ તત્વોથી પીડિત નાગરિકો કોઈપણ જાતના ડર વગર પોલીસનો સંપર્ક કરી શકે છે.
જૂનાગઢમાં વ્યાજખોર લખન કોડીયાતર ઝડપાયો જુગારધામો પકડાયા
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે બિલ્ડરપુત્રને ધમકાવી પ્લોટ-દુકાનો પડાવનાર કુખ્યાત વ્યાજખોર લખન કોડીયાતરની અટકાયત કરી છે. બીજી તરફ 'A' ડિવિઝન પોલીસે પંચેશ્વર રોડ પરથી ₹10,335 ની રોકડ સાથે વરલી મટકા સંચાલકને અને ખાપરા કોડીયા ગુફા પાછળથી ₹15,030 ના મુદ્દામાલ સાથે 5 જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.