બાળકોના સ્વાસ્થ્ય માટે જંક ફૂડ મોટો ખતરો: ભારતમાં વેચાણ ૧૫૦ ટકા વધ્યું
- ICMR અને NIN ની સમિતિએ શાળાઓની આસપાસ જંક ફૂડ વેચાણ પર પ્રતિબંધ સહિત કડક ભલામણો કરી.
- ૧૫ થી 49 વર્ષની વયના ૨૩.૫ ટકા ભારતીયો વધુ પડતા વજન અથવા મેદસ્વીપણાનો શિકાર બન્યા.
- બાળકોને લક્ષ્ય બનાવીને કરતી જાહેરાતો પર નિયંત્રણ લાવવા અને કડક સૂચનો પર વિચાર ચાલુ.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ક્યારેક શાળા છૂટ્યાં પછી બાળકોનાં હાથમાં જામફળ, સિંગદાણા કે ઘરે બનાવેલો નાસ્તો હોતો હતો, પરંતુ આજે તેની જગ્યા ચિપ્સ, બર્ગર, પિઝા અને સોફ્ટ ડ્રિંક્સે લઈ લીધી છે. આ આદત બાળકોનાં સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની રહી છે. દેશમાં છેલ્લાં કેટલાક વર્ષોમાં જંક ફૂડનું વેચાણ ૧૫૦ ટકા વધ્યું છે, જેનાથી સરકાર અને સ્વાસ્થ્ય નિષ્ણાતોની ચિંતા પણ વધી ગઈ છે. ભારતીય તબીબી અનુસંધાન પરિષદ (ICMR) અને રાષ્ટ્રીય પોષણ સંસ્થાન (NIN) ની આગેવાની હેઠળ તૈયાર કરાયેલી નિષ્ણાત સમિતિએ આ ખતરાને ધ્યાનમાં રાખીને કડક સૂચનો આપ્યાં છે.
આ સૂચનોમાં શાળાઓનાં ૫૦ મીટરના વિસ્તારમાં જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધ, બાળકોને લક્ષ્ય બનાવીને કરવામાં આવતી જાહેરાતો પર નિયંત્રણ, ખાદ્ય પેકેટો પર મોટા અને સહેલાઈથી ઓળખી શકાય તેવા ચેતવણી લેબલ તેમજ વધુ મીઠું, ખાંડ અને ચરબી ધરાવતાં ખાદ્ય પદાર્થો પર વધારાનો ટેક્સ લગાવવાની ભલામણ સામેલ છે. સરકાર આ સૂચનો પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે જંક ફૂડના કારણે મેદસ્વીપણું (મોટાપો) ઝડપથી વધી રહ્યું છે. જો બાળકોને અત્યારે સંભાળવામાં નહીં આવે તો મોટાપો, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગ જેવી બીમારીઓ નાની ઉંમરમાં જ સામાન્ય થઈ શકે છે.
જંક ફૂડના કારણે ૧૫ થી ૪૯ વર્ષની વય જૂથના ૨૩.૫ ટકા ભારતીયો વધુ પડતાં વજન અથવા મેદસ્વીપણાનો ભોગ બન્યાં છે. પુરુષોમાં આ આંકડો ૨૨.૯ ટકાથી વધીને ૨૭.૩ ટકા અને મહિલાઓમાં ૨૪ ટકાથી વધીને ૩૦.૭ ટકા સુધી પહોંચી ગયો છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનો વપરાશ સતત વધી રહ્યો છે. વર્ષ ૨૦૦૬માં આ ઉત્પાદનોનું છૂટક વેચાણ ૦.૯ અબજ ડોલર હતું, જે ૨૦૧૯ સુધી વધીને ૩૭.૯ અબજ ડોલર પહોંચી ગયું. જ્યારે ૨૦૦૯ થી ૨૦૨૩ વચ્ચે જંક ફૂડના વેચાણમાં લગભગ ૧૫૦ ટકાનો વધારો નોંધાયો છે અને આ આંકડો હજુ પણ ઝડપથી વધી રહ્યો છે.
સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો
દેશમાં જંક ફૂડનું વેચાણ ૧૫૦ ટકા વધી ગયું છે અને તેના કારણે મેદસ્વીપણાનું પ્રમાણ ચિંતાજનક રીતે ઊંચું ગયું છે. ICMR અને NIN ની સમિતિએ શાળાઓની આસપાસ જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધ મૂકવા, ખાદ્ય પેકેટો પર ચેતવણી લેબલ લગાવવા અને વધુ ચરબી કે ખાંડયુક્ત ખોરાક પર વધારાનો ટેક્સ લાદવાની ભલામણ કરી છે, જેથી નાની ઉંમરમાં બાળકોને ગંભીર બીમારીઓથી બચાવી શકાય.