ટી૨૦માં ‘લેફ્ટી’ બેટર્સનો આતંક: સિક્સર ફટકારવી એ ડાબા હાથનો ખેલ
- IPL 2026માં ટોપ 6 માંથી 5 ડાબોડી હિટર્સ; વૈભવ સૂર્યવંશી 37 સિક્સ સાથે ટોપ પર
- છેલ્લી 3 સીઝનથી સિક્સર કિંગની રેસમાં ‘લેફ્ટી’ પાવરનું વર્ચસ્વ અકબંધ
- ટી૨૦માં 1000 સિક્સનો જાદુઈ આંકડો વટાવનાર ગેલના રેકોર્ડ્સ આજે પણ અતૂટ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી : ટી૨૦ ક્રિકેટ ફોર્મેટમાં દર્શકો માટે સૌથી મોટું આકર્ષણ મેદાનની ચારેબાજુ ફટકારાતા લાંબા છગ્ગા હોય છે. આજના આધુનિક ક્રિકેટમાં સિક્સર ફટકારવાના નવા રેકોર્ડ્સ બની રહ્યા છે, પરંતુ તેમાં એક અત્યંત રસપ્રદ પાસું બહાર આવ્યું છે. આંકડાકીય વિશ્લેષણ દર્શાવે છે કે ચાલુ IPL સીઝનમાં ટોચના 6 હિટર્સમાંથી 5 બેટ્સમેન ડાબોડી (લેફ્ટી) છે. આ યાદીમાં વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, રાયન રિકેલ્ટન, પ્રિયાંશ આર્ય અને કૂપર કોનોલીનો સમાવેશ થાય છે. માત્ર રજત પાટીદાર જ એક એવો બેટ્સમેન છે જે જમણેરી હોવા છતાં આ યાદીમાં સ્થાન મેળવી શક્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોથી IPLમાં ડાબોડી બેટ્સમેનોનો દબદબો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. વર્ષ 2024 માં અભિષેક શર્મા 42 સિક્સ સાથે મોખરે હતો, જ્યારે 2025 માં વેસ્ટ ઈન્ડિઝના નિકોલસ પૂરને 40 છગ્ગા ફટકારીને મેદાન ગજવ્યું હતું. આ વર્ષે એટલે કે 2026 માં, કિશોરવયના સેન્સેશન વૈભવ સૂર્યવંશીએ માત્ર 10 મેચમાં 37 સિક્સ ફટકારીને આ રેસમાં લીડ મેળવી લીધી છે. આ આંકડા સાબિત કરે છે કે પાવર હિટિંગના મામલે ડાબોડી બેટ્સમેનો વધુ અસરકારક સાબિત થઈ રહ્યા છે.
જ્યારે પણ સિક્સર કિંગની વાત આવે ત્યારે "યુનિવર્સ બોસ" ક્રિસ ગેલનો ઉલ્લેખ અનિવાર્ય છે. ગેલે ટી૨૦ ક્રિકેટમાં ડાબોડી બેટ્સમેનોના વર્ચસ્વનો પાયો નાખ્યો હતો. 142 IPL મેચોમાં સૌથી વધુ 357 સિક્સનો રેકોર્ડ આજે પણ તેના નામે છે. આટલું જ નહીં, ગેલ વિશ્વનો એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે તમામ પ્રકારની ટી૨૦ મેચોમાં કુલ મળીને 1056 છગ્ગા ફટકારીને 1000 નો જાદુઈ આંકડો વટાવ્યો છે. એક જ IPL ઇનિંગ્સમાં 17 સિક્સ ફટકારવાનો તેનો 13 વર્ષ જૂનો રેકોર્ડ હજુ પણ અતૂટ છે.
નિષ્ણાતોના મતે ડાબોડી બેટ્સમેનોની આ સફળતા પાછળ એક ખાસ ટેકનિકલ કારણ છુપાયેલું છે. મોટાભાગના ડાબોડી બેટ્સમેનો વાસ્તવિક જીવનમાં જમણા હાથથી કામ કરતા હોય છે, જેને કારણે બેટિંગ કરતી વખતે તેમનો જમણો હાથ "લીડ હેન્ડ" (આગળનો હાથ) બને છે. ઇમ્પેક્ટ હેન્ડને લીડ હેન્ડ તરીકે ઉપયોગમાં લેવાથી બેટ પર વધુ સારું નિયંત્રણ મળે છે. આનાથી બેટ્સમેનને "ગોલ્ફ-સ્વિંગ" જેવો આર્ક મળે છે, જે હાઇ-સ્પીડ શોટ અને લાંબી સિક્સર ફટકારવા દરમિયાન વધુ સ્થિરતા પ્રદાન કરે છે.
વર્ષ 2026 ની સીઝનમાં અત્યાર સુધીના ટોચના ત્રણ હિટર્સમાં રાજસ્થાન રોયલ્સનો વૈભવ સૂર્યવંશી, હૈદરાબાદનો અભિષેક શર્મા અને મુંબઈ ઇન્ડિયન્સનો રાયન રિકેલ્ટન પોતાની ફટકાબાજીથી ફેન્સના દિલ જીતી રહ્યા છે. જે પ્રકારે આ બેટ્સમેનો બેટિંગ કરી રહ્યા છે, તે જોતા લાગે છે કે આવનારા સમયમાં પણ ટી૨૦ ફોર્મેટમાં ડાબોડી બેટ્સમેનોનું શાસન ચાલુ રહેશે. બોલરો માટે હવે આ ‘લેફ્ટી પાવર’ ને રોકવા માટે નવી રણનીતિઓ ઘડવી અનિવાર્ય બની ગઈ છે.