ઝારખંડમાં ક્રોસ વોટિંગથી પરિમલ નથવાણીની જીત, કોંગ્રેસને મોટો ઝટકો
- 28 મતો સાથે નથવાણી ચોથી વખત બન્યા રાજ્યસભાના સાંસદ
- વિધાન પરિષદની 7માંથી 5 બેઠકો પર કોંગ્રેસનો શાનદાર વિજય
- 8 રાજ્યોમાં 24 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા, 19 બેઠકો NDAને મળી
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ઝારખંડમાં રાજ્યસભાની 2 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. કોંગ્રેસના 4 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરતા NDA સમર્થિત અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણીનો શાનદાર વિજય થયો છે. પરિમલ નથવાણી 28 વોટ મેળવીને ચોથી વખત રાજ્યસભાના સાંસદ બન્યા છે, જ્યારે કોંગ્રેસના પ્રણવ ઝાને માત્ર 20 મત મળ્યા હતા. ઝારખંડમાં સત્તાધારી ગઠબંધનનું સંખ્યાબળ જોતા અન્ય 1 બેઠક પર ઝારખંડ મુક્તિ મોરચાના વૈદ્યનાથ રામની ધારણા મુજબ જીત થઈ છે.
દેશના 8 રાજ્યોમાં 24 ઉમેદવારો રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ 24 માંથી 19 બેઠકો પર NDA અને 5 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજયી બન્યા છે. આ મોટા વિજય સાથે જ રાજ્યસભામાં NDAનું કુલ સંખ્યાબળ વધીને 150 થઈ ગયું છે. બીજી તરફ, પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં પણ સત્તાધારી પક્ષ ઝોરમ પીપલ્સ મૂવમેન્ટે રાજ્યસભામાં પોતાનું ખાતું ખોલાવીને રાજકીય તાકાત બતાવી છે.
રાજ્યસભાની સાથે કર્ણાટક વિધાન પરિષદ (MLC) ની 7 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે ભાજપ સાથે મોટો ખેલ પાડી દીધો છે. ધારણા એવી હતી કે કોંગ્રેસને 4 અને ભાજપને 3 બેઠકો મળશે, પરંતુ ડીકે શિવકુમારે ભાજપના ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાવીને બાજી પલટી નાખી હતી. આ રાજકીય માસ્ટરસ્ટ્રોકને કારણે 7 માંથી 5 બેઠકો પર કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે અને ભાજપને માત્ર 2 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો છે.
રાજ્યસભામાં NDA બે-તૃત્યાંશ બહુમતી તરફ અગ્રેસર ચૂંટણી બાદ રાજ્યસભામાં NDA નું સંખ્યાબળ 150 પર પહોંચી ગયું છે. પશ્ચિમ બંગાળની ખાલી પડેલી 3 બેઠકો પર જો ભાજપ જીતે તો આ આંકડો 153 થશે. આમ થતાં NDA રાજ્યસભામાં બે-તૃત્યાંશ બહુમતીથી માત્ર 10 બેઠકો જ દૂર રહેશે. આ મજબૂત સંખ્યાબળ આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર માટે સંસદમાં મહત્વના બિલ પાસ કરાવવા માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.