Loading Please Wait !!!
અમદાવાદમાં 'વિકાસ'નું ડિમોલિશન: ૫૦થી વધુ દુકાનો પર ફરી વળ્યું JCB

  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે રોડ પહોળો કરવા વેપારીઓની રોજી-રોટી છીનવાઈ
  • ૬૦-૭૦ વર્ષ જૂના ધંધા રાતોરાત જમીનદોસ્ત, વળતરની માગ સાથે દેખાવો
  • જનપથ ત્રણ રસ્તાથી ડી માર્ટ સુધી ૧૮ મીટરનો રોડ ૬૧ મીટરનો થશે

સિટી ન્યુઝ @ અમદાવાદ

અમદાવાદમાં આગામી કોમનવેલ્થ અને ઓલમ્પિક રમતોના આયોજનને ધ્યાનમાં રાખીને મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ વિકાસકાર્યો તેજ બન્યા છે. જેના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી સ્ટેડિયમ તરફના રોડને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે સવારથી પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડી માર્ટ સામેથી લઈને જનપથ ત્રણ રસ્તા સુધીની અંદાજે ૫૦ થી વધુ કોમર્શિયલ મિલકતો પર JCB ફેરવી દીધું હતું.

હાલનો ૧૮ મીટરનો રોડ હવે ૬૧ મીટરનો કરવામાં આવશે. ડિમોલિશનની આ કાર્યવાહીથી વર્ષોથી ધંધો કરી રહેલા વેપારીઓમાં ભારે રોષ અને લાચારી જોવા મળી રહી છે. વેપારીઓનો આરોપ છે કે તેમને યોગ્ય વળતર આપવા કે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અંગે કોઈ વાત કરવામાં આવી નથી. ૩૫ થી ૭૦ વર્ષથી અહીં ધંધો કરતા નાના વેપારીઓ અને દરજી કામ કરતા પરિવારો માટે હવે આજીવિકાનો પ્રશ્ન ગંભીર બન્યો છે. અસરગ્રસ્તોએ સરકાર પાસે વળતર અથવા સામે દુકાન ફાળવવાની માગ કરી છે.

તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલ માત્ર કોમર્શિયલ મિલકતોને જ નિશાન બનાવવામાં આવી છે અને કોઈ પણ રહેણાંક મિલકતને તોડવાનો નિર્ણય લેવાયો નથી. ડી માર્ટ પછીના વિસ્તારોમાં હાઇકોર્ટમાં કેસ ચાલુ હોવાથી ત્યાં હાલ પૂરતું ડિમોલિશન અટકાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત સામેના ભાગે આવેલી ONGCની ઓફિસને શિફ્ટ કરવાની પ્રક્રિયા બાકી હોવાથી ત્યાં પણ હાલ કામગીરી હાથ ધરવામાં આવી નથી.

ડિમોલિશનનું ગણિત અને વેપારીઓની વેદના

વિકાસના નામે ૫૦૦ મીટર રોડ ઉપર આવેલી ૫૦ થી વધુ કોમર્શિયલ મિલકતોને જમીનદોસ્ત કરવામાં આવી છે. વેપારીઓએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, એક મહિનાની નોટિસ આપીને તેમને બેરોજગાર કરી દેવાયા છે. મીનાક્ષી બેન અને સૂર્યાબેન રાઠોડ જેવા અનેક વેપારીઓએ રજૂઆત કરી છે કે તેઓ પૈસા ભરીને પણ દુકાન મેળવવા તૈયાર છે, કારણ કે ભાડું ભરીને વ્યવસાય કરવો હવે તેમના માટે અશક્ય છે.