Loading Please Wait !!!
ગાંધીનગરમાં કરોડોનું શિષ્યવૃત્તિ કૌભાંડ: વિદ્યાર્થીના નામે ખાતું ખોલાવી રકમ હડપનાર ઝડપાયો

  • એસ.ઓ.જી. દ્વારા અમદાવાદના શીલજ વિસ્તારમાંથી મુખ્ય આરોપી વિજય પટેલની ધરપકડ
  • વિદ્યાર્થીને ખબર પણ ન રહી અને તેના નામે ડિપ્લોમા એડમિશન લઈ બેંક ખાતું ખોલાવી આચર્યું કૌભાંડ
  • ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે આરોપીને દબોચી લીધો, અનેક ખુલાસા થવાની શક્યતા

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા વર્ષ 2018-19 દરમિયાન થયેલા એક મોટા શિષ્યવૃત્તિ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એક વિદ્યાર્થીની જાણ બહાર તેના દસ્તાવેજોનો દુરુપયોગ કરી, ડિપ્લોમા કોર્સમાં ખોટી રીતે એડમિશન મેળવીને શિષ્યવૃત્તિની રકમ હડપનાર મુખ્ય આરોપી વિજય જયંતિલાલ પટેલની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીએ વિદ્યાર્થી અને સરકાર બંને સાથે મોટી છેતરપિંડી આચરી હતી, જેને પગલે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

ઘટનાની વિગત મુજબ, ફરિયાદી વિદ્યાર્થીએ વર્ષ 2018-19 દરમિયાન ક્યાંય પણ ડિપ્લોમાનો અભ્યાસ કર્યો ન હતો કે કોઈ શિષ્યવૃત્તિ મેળવી ન હતી. આમ છતાં, આરોપી વિજય પટેલે વિદ્યાર્થીના દસ્તાવેજો ચોરીને દહેગામ ખાતે આવેલી 'એફ.ડી. (મુબીન) ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ' માં ડિપ્લોમા કોર્સમાં ઓનલાઇન એડમિશન મેળવી લીધું હતું. આટલું જ નહીં, આરોપીએ વિદ્યાર્થીના નામે કડી નાગરિક સહકારી બેંકમાં ખોટું ખાતું ખોલાવી, તેમાં પોતાનો મોબાઈલ નંબર લિંક કરીને તમામ શિષ્યવૃત્તિની રકમ પોતાના કબજામાં મેળવી લીધી હતી.

આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તપાસ ગાંધીનગર SOG ને સોંપવામાં આવી હતી. પોલીસે દસ્તાવેજી પુરાવા અને ટેકનિકલ એનાલિસિસના આધારે અમદાવાદના શીલજ વિસ્તારમાં રહેતા 43 વર્ષીય આરોપી વિજય પટેલને ઝડપી પાડ્યો છે. ગાંધીનગર પોલીસે આ મામલે ભોગ બનનાર વિદ્યાર્થીઓને એક ખાસ અપીલ કરી છે. જો કોઈ અન્ય વિદ્યાર્થીના દસ્તાવેજોનો ઉપયોગ કરી વર્ષ 2016 થી 2019 દરમિયાન આવી રીતે શિષ્યવૃત્તિ હડપવામાં આવી હોય, તો તેમણે જરૂરી પુરાવા સાથે ગાંધીનગરના સેક્ટર-30 સ્થિત એસ.ઓ.જી શાખાનો સંપર્ક કરવો.

દસ્તાવેજોની સુરક્ષામાં રાખવી સાવચેતી

આજના ડિજિટલ યુગમાં સરકારી દસ્તાવેજો અને આધારકાર્ડ જેવા મહત્વના પુરાવાઓની સુરક્ષા ખૂબ જ અનિવાર્ય છે. શિષ્યવૃત્તિ કૌભાંડની આ ઘટના દર્શાવે છે કે કઈ રીતે સાધારણ માહિતીનો ઉપયોગ કરીને કૌભાંડીઓ સરકાર અને નિર્દોષ વિદ્યાર્થીઓને નિશાન બનાવે છે. કોઈ પણ અજાણી વ્યક્તિ કે સંસ્થાને પોતાના પર્સનલ ડોક્યુમેન્ટ્સ આપતા પહેલા સાવચેતી રાખવી જોઈએ. જો તમારી સાથે આવું કંઈ થયું હોય તો ડર્યા વગર તુરંત પોલીસ ફરિયાદ કરવી, જેથી આ કૌભાંડીઓને કાયદાના સકંજામાં લાવી શકાય.