Loading Please Wait !!!
મથુરામાં ગુજરાતી પરિવાર સાથે 3 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો

  • આશ્રમ બનાવવાની લાલચ આપી રોકડ-દાગીનાની ચોરી કરનાર 4 શખ્સો ઝડપાયા
  • 2 કરોડ રોકડા અને 60 લાખના ઘરેણાં રિકવર, મથુરા પોલીસની મોટી સફળતા
  • પોલીસે રિકવર કરી 2 કરોડથી વધુની રોકડ અને કિંમતી દાગીના

સિટી ન્યુઝ @ મથુરા

મથુરાના જૈત પોલીસ સ્ટેશનની ટીમે એક સનસનાટીભરી ચોરીના કેસનો પર્દાફાશ કર્યો છે, જેમાં ગાંધીનગરના એક ગુજરાતી પરિવારને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ પરિવાર પાસેથી આશ્રમ બનાવવાની લાલચ આપી કુલ 2 કરોડ 90 લાખ રૂપિયાની રોકડ અને દાગીનાની ચોરી કરવામાં આવી હતી. મથુરાના એસએસપી શ્લોક કુમારે જણાવ્યું કે, પોલીસે તત્પરતા દાખવીને 4 મહિના જૂના આ કેસમાં સામેલ તમામ 4 આરોપીઓને ઝડપી લીધા છે.

પીડિત રાકેશ પ્રજાપતિ અને તેમના પુત્ર માનવ પ્રજાપતિ પોતાની મિલકત વેચીને વૃંદાવનમાં સ્થાયી થવા આવ્યા હતા. આ દરમિયાન તેમની મુલાકાત ગેસ્ટ હાઉસ સંચાલક આલોક અને રાજન સાથે થઈ હતી. આરોપીઓએ આશ્રમ બનાવવાની લાલચ આપી વિશ્વાસ જીત્યો અને ત્યારબાદ તક મળતાં જ ફ્લેટમાંથી મોટી રકમ ચોરી લીધી હતી. પકડાયેલા આરોપીઓમાં રાજન, આલોક, પ્રેમ સાગર અને હિરેનનો સમાવેશ થાય છે, જેમાંથી પ્રેમ સાગર અને હિરેન ગુજરાતના જ વતની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસે સફળતાપૂર્વક કુલ 2 કરોડ રૂપિયાની રોકડ રકમ અને 60 લાખથી વધુની કિંમતના સોનાના ઘરેણાં રિકવર કર્યા છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને અન્ય કિંમતી વસ્તુઓ પણ કબજે કરવામાં આવી છે. મથુરા પોલીસે આ કેસમાં ખૂબ જ ઝીણવટભરી તપાસ કરીને રીઢા ચોરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ઘટનાએ બહારગામ રહેતા પરિવારો માટે સાવચેતીનો સંદેશ પણ આપ્યો છે.