અમદાવાદમાં વાર્ષિક 20 થી 22 કિન્નર બાળકોનો જન્મ: સામાજિક ઉપેક્ષા સામે લડતી જિંદગી
-
જન્મ વખતે જનનાંગો સામાન્ય દેખાતા હોવાથી 3-4 વર્ષ બાદ લક્ષણો પરથી ઓળખ શક્ય બને છે
-
રંગસૂત્રોની વિસંગતતા (XXY) અને હોર્મોનલ અસંતુલનને લીધે જનનાંગોનો અસામાન્ય વિકાસ
-
અમદાવાદની હોસ્પિટલોમાં દર મહિને 4 થી 5 બાળકો જેન્ડર સંબંધિત સમસ્યા સાથે આવે છે
સિટી ન્યુઝ @ અમદાવાદ
સમાજમાં કિન્નર સમુદાયને લઈને સદીઓથી રહસ્ય અને ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે, પરંતુ અદ્યતન તબીબી વિજ્ઞાને સ્પષ્ટ કર્યું છે કે બાળક જન્મતાની સાથે જ કિન્નર હોવાની ઓળખ થતી નથી. સામાન્ય રીતે શિશુના જન્મ સમયે તેના બાહ્ય જનનાંગો સ્ત્રી કે પુરુષ જેવા જ સામાન્ય દેખાય છે, પરંતુ બાળકના ઉછેર સાથે એટલે કે 3 થી 4 વર્ષની વયે વિપરીત શારીરિક અને માનસિક લક્ષણો પ્રગટ થવા લાગે છે.
તબીબી નિષ્ણાતોના મતે દર 4,000 થી 5,000 બાળકોના જન્મ પર એક બાળકમાં રંગસૂત્રો અને હોર્મોન્સની ખામી જોવા મળે છે. અમદાવાદ શહેરમાં દર વર્ષે આશરે એક લાખ બાળકો જન્મે છે, જેમાંથી અંદાજે 20 થી 22 બાળકો કિન્નર કે થર્ડ જેન્ડર તરીકે વિકાસ પામે છે. અમદાવાદની એલ.જી. હોસ્પિટલના ડૉ. મુંજાલ પંડ્યા અને એન્ડોક્રિનોલૉજિસ્ટ ડૉ. રુચિ શાહ જણાવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન રંગસૂત્રો (જેમ કે XX કે XY ના સ્થાને XXY થવું) અને અંતઃસ્ત્રાવી ગ્રંથીઓમાં અસંતુલન થવાથી જનનાંગોનો યોગ્ય વિકાસ થતો નથી.
સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા અને બદનામીના ડરથી મોટાભાગના પરિવારો આવી બાબતો છુપાવે છે અને માત્ર 5 થી 10 ટકા કિસ્સાઓ જ હોસ્પિટલ સુધી પહોંચે છે. યોગ્ય સ્વીકાર, શિક્ષણ કે રોજગારીના અભાવે આવા બાળકો આખરે પરિવાર અને સમાજથી વિખૂટા પડીને કિન્નરોના મઠનો આશરો લેવા મજબૂર બને છે. અમદાવાદના કિન્નર મઠોમાં દર વર્ષે 4 થી 5 બાળકો આ રીતે સમાજ છોડીને પ્રવેશે છે.
કાયદાકીય દ્રષ્ટિએ ભારતીય ચૂંટણી પંચ દ્વારા થર્ડ જેન્ડરને સમાન મતાધિકાર આપવામાં આવ્યો છે અને વર્ષ 2024 ની સામાન્ય ચૂંટણીમાં ગુજરાતમાં 1,543 થર્ડ જેન્ડર મતદારો નોંધાયા હતા. કોઈપણ સગીર વ્યક્તિ સીધી રીતે મઠમાં પ્રવેશી શકતી નથી. કાયદા મુજબ 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ વાલીઓની સંમતિ અને કોર્ટમાંથી ટ્રાન્સજેન્ડરનું કાનૂની પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય હોય છે.
કિન્નર સમુદાયમાં જોડાવાની પરંપરા પણ અત્યંત કઠિન હોય છે. અમદાવાદના વરિષ્ઠ કિન્નરોના જણાવ્યા અનુસાર, મઠમાં વિધિવત પ્રવેશ માટે ખાસ 'નિર્વાણ વિધિ' કરવામાં આવે છે અને ત્યારબાદ 40 દિવસનો કઠોર એકાંતવાસ વીતાવવો પડે છે. આ એકાંતવાસ પૂર્ણ થયા બાદ નવડાવી, શૃંગાર સજાવી અને દીક્ષા આપીને જ તેમને સત્તાવાર રીતે કિન્નરનો દરજ્જો આપવામાં આવે છે.
કિન્નર જન્મ પાછળ તબીબી વિજ્ઞાન
તબીબી વિજ્ઞાન અનુસાર જન્મ સમયે બાળક કિન્નર હોવાની ઓળખ થતી નથી, પરંતુ 3-4 વર્ષે લક્ષણો દેખાય છે. દર 4 થી 5 હજાર બાળકોએ એક બાળકમાં રંગસૂત્રો (XXY) અને હોર્મોનલ ખામીથી આ સ્થિતિ સર્જાય છે. સામાજિક અસ્વીકાર વચ્ચે 18 વર્ષની વય, કાનૂની પ્રમાણપત્ર અને 40 દિવસના કઠોર એકાંતવાસની દીક્ષા બાદ જ મઠમાં સ્થાન મળે છે.