Loading Please Wait !!!
મૌખિક દાવાથી ભાડુઆત ન બને, હાઇકોર્ટનો સ્પષ્ટ ચુકાદો

  • મોટેરા કેસમાં માર્ગદર્શક નિર્ણય, ગેરકાયદે કબજેદારોને ફટકો
  • જસ્ટિસ દોશી કહે લીવ લાઇસન્સ પૂરું થતા કબજો ગેરકાયદે
  • 23-12-2011થી દર મહિને 5 હજાર વળતર ચૂકવવા આદેશ

સિટી ન્યુઝ @ અમદાવાદ

ગુજરાત હાઇકોર્ટે મિલકત વિવાદ મામલે અત્યંત મહત્ત્વનો ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે માત્ર મૌખિક દાવાથી કોઈ વ્યક્તિ મકાનનો ભાડુઆત કે કબજેદાર બની શકતી નથી. જસ્ટિસ જે.સી. દોશીએ મોટેરાના મકાન કબજા કેસમાં આ અવલોકન કર્યું હતું. મકાનમાલિકે સગાને 2 વર્ષ માટે વગર ભાડે મકાન રહેવા આપ્યું હતું. પરંતુ સગાએ મુદત વીત્યા બાદ મકાન ખાલી કરવાને બદલે કબજાનો દાવો કરી કોર્ટમાં કેસ કર્યો હતો.

ગાંધીનગર કોર્ટે મકાનમાલિકની તરફેણમાં ચુકાદો આપી સગાને કબજો સોંપવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે હાઇકોર્ટમાં કરેલી અપીલ જસ્ટિસ દોશીએ ફગાવી દીધી હતી. કોર્ટે ઠરાવ્યું કે મૌખિક નિવેદનોના આધારે ભાડુઆતનો દરજ્જો સ્વીકારી શકાય નહીં. માલિકી સાબિત થયા બાદ કબજો જાળવી રાખવા દસ્તાવેજી પુરાવા અનિવાર્ય છે.

હાઇકોર્ટે સગાને તાત્કાલિક મકાન ખાલી કરવા અને 23-12-2011થી કબજો સોંપે ત્યાં સુધી દર મહિને 5 હજાર રૂપિયા વળતર ચૂકવવા આદેશ કર્યો છે. કોર્ટે નોંધ્યું કે વિવાદિત મકાનનું બાંધકામ 2004માં થયું હોવાથી 2001 પછીની મિલકત પર રેન્ટ એક્ટ લાગુ પડતો નથી. લીવ એન્ડ લાઇસન્સની મુદત પૂરી થતા જ કબજો ગેરકાયદે બની જાય છે.


કાયદાનો મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત

ગુજરાત હાઇકોર્ટે ઠરાવ્યું કે મર્યાદિત સમય માટે મંજૂરીથી રહેનાર ભાડુઆત બનતો નથી. મૌખિક દાવાથી હક સાબિત થતો નથી. 2001 પછીની મિલકત રેન્ટ એક્ટથી મુક્ત છે. માલિકની સદ્ભાવનાનો દુરુપયોગ કરી કાયમી હક મળતો નથી. કબજો ગેરકાયદે ઠરતા 23-12-2011થી 5 હજાર વળતર ચૂકવવું પડશે.