મધ્યપૂર્વના યુદ્ધના ગભરાટે બજારો હચમચાવ્યા: શેરબજારમાં કડાકો, ક્રુડતેલ ૧૦૦ ડોલર વટાવી ગયું
- સેન્સેકસ ૮૬૪ પોઈન્ટ તૂટ્યો જ્યારે સોના-ચાંદીના ભાવ પણ ગગડતા રોકાણકારોમાં ફફડાટ
- હોર્મુઝ ખાડી બંધ થવાની ભીતી અને ક્રુડતેલમાં તેજીથી મોંઘવારીનું નવું સંકટ સર્જાવાની દહેશત.
- વિદેશી નાણાં સંસ્થાઓ દ્વારા જંગી વેચવાલી, મોતીલાલ ઓસ્વાલ અને સ્વીગી સહિતના શેરોમાં મોટા ગાબડા.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
મધ્યપૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વધુ ભીષણ બનવાના એંધાણ અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પના આક્રમક સંકેતોને કારણે આજે વિવિધ માર્કેટોમાં ભારે કડાકા-ભડાકા સર્જાયા હતા. હોર્મુઝ ખાડી બંધ થવાની આશંકા અને હુથીઓની ધમકીઓને કારણે દરિયાઈ વેપાર માર્ગો પ્રભાવિત થતાં વૈશ્વિક અર્થતંત્રમાં મોટું સંકટ સર્જાવાની ભીતીથી બજારો ફફડી ઉઠ્યા હતા. આ ઘટનાક્રમની સીધી અસર હેઠળ ક્રુડતેલ ૧૦૦ ડોલરને વટાવી ગયું છે, જેનાથી આગામી દિવસોમાં મોંઘવારી વધવાની દહેશત વ્યક્ત થઈ રહી છે.
શેરબજારની શરૂઆત જ ગેપડાઉન થઈ હતી અને વિદેશી સંસ્થાઓ દ્વારા સતત જંગી વેચવાલીના કારણે શેરો સતત ગગડતા રહ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેકસ ૮૬૪ પોઈન્ટના ભારે ઘટાડા સાથે ૭૫,૫૨૬ પોઈન્ટ પર બંધ રહ્યો હતો, જે ઊંચામાં ૭૫,૯૯૫ અને નીચામાં ૭૫,૪૭૪ વચ્ચે અથડાયો હતો. આ ઉપરાંત નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફટી ૨૪૯ પોઈન્ટ ગગડીને ૨૩,૬૧૯ પોઈન્ટ પર બંધ થયો હતો. મોતીલાલ ઓસ્વાલ, સ્વીગી, હીરોમોટોકોર્પ, ઇન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક અને સુઝલોન સહિતના અગ્રણી શેરોમાં મોટા ગાબડા પડ્યા હતા.
બુલિયન માર્કેટમાં પણ ભારે નરમાઈ જોવા મળી હતી. વૈશ્વિક બજારમાં સોનામાં મોટો ઘટાડો નોંધાયા બાદ લોકલ વાયદામાં સોનું ૮૯૦ રૂપિયા ઘટીને ૧,૪૧,૯૨૫ રૂપિયા રહ્યું હતું, જ્યારે ચાંદી વાયદામાં ૧,૪૦૦ રૂપિયાનો તીવ્ર ઘટાડો થઈને ભાવ ૨,૧૭,૯૪૦ રૂપિયા બોલાયા હતા. બીજી તરફ, ક્રુડતેલમાં તેજીનો દોર યથાવત રહેતા ડબલ્યુટીઆઈ ક્રુડ ૯૧.૬૭ ડોલર અને બ્રેન્ટ ક્રુડ વધીને ૧૦૦.૩૪ ડોલર પર પહોંચી ગયું હતું.
મધ્યપૂર્વના તણાવથી શેરબજારમાં કડાકો અને ક્રુડતેલ ૧૦૦ ડોલરને પાર
અમેરિકા-ઈરાન યુદ્ધના ગભરાટ અને હોર્મુઝ ખાડીના સંકટને કારણે ભારતીય શેરબજારમાં સેન્સેકસ ૮૬૪ પોઈન્ટ તૂટ્યો હતો. સોના-ચાંદીમાં પણ કડાકો બોલાયો હતો જ્યારે બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૧૦૦ ડોલરને વટાવી જતાં મોંઘવારીનું જોખમ વધ્યું છે.