અમદાવાદમાં નીમ કરોલી બાબાનું કૈંચીધામ નિર્માણ
-
રાજસ્થાની ગુલાબી પથ્થરથી મંદિરનું ભવ્ય નિર્માણ
-
108 સંતો અને બાબાના પૌત્રની ઉપસ્થિતિમાં પ્રાણપ્રતિષ્ઠા
-
મોરબીનું વવાણિયા ગામ છે બાબાની તપોભૂમિ
સિટી ન્યુઝ @ અમદાવાદ
જ્યારે અતૂટ શ્રદ્ધા અને દૈવીય સંકેત એકરૂપ બને છે ત્યારે ચમત્કારો આકાર લેતા હોય છે. ગુજરાતની પુણ્ય ધરા પર નીમ કરોલી બાબાનો સદીઓ જૂનો આધ્યાત્મિક નાતો ફરી ઊજાગર થયો છે, બાબાએ આપેલા સ્વપ્ન આદેશથી અમદાવાદના રાંચરડામાં માત્ર 5 જ મહિનામાં તૈયાર ગુજરાતનું કૈંચીધામ બાબાજીના જીવન પર આધારિત ફિલ્મ 'હનુમાન અંશ'ને લઈને ચર્ચામાં આવ્યું છે. શયન મુદ્રામાં બિરાજમાન હનુમાન દાદાની છત્રછાયા હેઠળ નિર્માણ પામેલું આ મંદિર આજે ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યું છે.
ત્રણ વર્ષ અગાઉ ઉત્તરાખંડ સ્થિત કૈંચીધામની મુલાકાત લીધા બાદ ફિઝિશિયન ડો. પ્રવીણ ગર્ગને સ્વપ્નમાં બાબાજીના સાક્ષાત દર્શન થયા હતા અને અમદાવાદમાં મંદિર બનાવવાનો સંકેત મળ્યો હતો. આ દૈવી પ્રેરણાથી તેમણે રાંચરડા ખાતે 35 ફૂટ ઊંચું અને 35 ફૂટ પહોળું આ ભવ્ય મંદિર અલ્પ સમયમાં પૂર્ણ કરાવ્યું હતું. 23 ઓગસ્ટ 2024ના રોજ આ મંદિરની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં દેશભરમાંથી 108 સંતો-મહંતો અને ખુદ નીમ કરોલી બાબાના પૌત્ર ધનંજય શર્મા ઉપસ્થિત રહ્યા હતા.
નીમ કરોલી બાબાનું ગુજરાત સાથે અતૂટ આધ્યાત્મિક જોડાણ રહ્યું છે. ઉત્તર પ્રદેશ મૂળ હોવા છતાં ગુજરાતમાં મોરબી નજીક આવેલું વવાણિયા ગામ બાબાજીની પવિત્ર તપોભૂમિ તરીકે પૂજવામાં આવે છે, જ્યાં સ્થાનિકો તેમને 'તલૈયા બાબા' તરીકે યાદ કરે છે. રાંચરડા મંદિરમાં પણ આ પરંપરા મુજબ અવિરત અન્નક્ષેત્ર અને ભંડારાની સેવા પ્રવૃત્તિઓ ચાલે છે. પરિસરમાં હનુમાનજીના પુત્ર મકરધ્વજ, ભગવાન રામ અને બાબાની પ્રતિમાઓ પણ પ્રતિષ્ઠિત છે.
મંદિરનું નિર્માણ રાજસ્થાનના વિશિષ્ટ ગુલાબી પથ્થરમાંથી 25થી વધુ કુશળ શિલ્પકારો દ્વારા કરવામાં આવ્યું છે. સિદ્ધપુરના જાણીતા શિલ્પકાર ભાવિન સોમપુરા દ્વારા બે મહિનાથી વધુ સમયની મહેનતે આ અંદાજે 2 ટન વજનની દિવ્ય મૂર્તિ ઘડવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટે આ ધામમાં તમામ આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
હાલમાં નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ચર્ચાસ્પદ ફિલ્મ 'હનુમાન અંશ' અંગે ડો. પ્રવીણ ગર્ગે પોતાના સ્પષ્ટ વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સંતો વાસ્તવિક મહાપુરુષો છે, તેથી તેમના જીવનને કેવળ મનોરંજન તરીકે પીરસવાને બદલે તેમના સાચા સિદ્ધાંતો અને લોકસેવાના કાર્યોનો પ્રસાર કરવો એ જ સાચી શ્રદ્ધાંજલિ છે.
અધ્યાત્મ અને આસ્થાનું પ્રતીક
અમદાવાદના રાંચરડામાં નિર્માણ પામેલું નીમ કરોલી બાબાનું આ ભવ્ય ધામ માત્ર પાંચ મહિનાના ટૂંકા સમયમાં દૈવી પ્રેરણાથી તૈયાર થયું છે. અદભુત સ્થાપત્ય અને અવિરત સેવા પ્રવૃત્તિઓથી સજ્જ આ સ્થળ આજે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર બની ગયું છે.