સુરતના 'ભૂતિયા' ડિમોલિશનમાં SMC કમિશનરને દિલ્હીનું તેડું આવ્યું
- વડાપ્રધાન કાર્યાલય (PMO) ની સીધી એન્ટ્રી થતાં ગાંધીનગરથી લઈને સુરત મનપા સુધી ભારે ફફડાટ
- નાસીરનગરમાં રસ્તો ખુલ્લો કરવા ગરીબોના આશિયાના ઉજ્જડ કરી નાખવામાં આવ્યા હોવાનો ખુલાસો
- ડેમોલિશન સમયે ઘટનાસ્થળ પર હાજર ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ અતુલ સોનારાની ભૂમિકા શંકાસ્પદ
સિટી ન્યુઝ @ સુરત
સુરતના વેડરોડ નાસીરનગર વિસ્તારમાં થયેલા અત્યંત વિવાદાસ્પદ અને ગેરકાયદેસર 'ભૂતિયા' ડિમોલિશનનો ગંભીર મામલો હવે સ્થાનિક કક્ષાએથી નીકળીને દેશના સર્વોચ્ચ વહીવટી કેન્દ્ર સુધી પહોંચી ગયો છે. આ ચકચારી કેસમાં હવે સીધી વડાપ્રધાન કાર્યાલય (PMO) ની નજર મંડાતા સમગ્ર ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં ભારે ભૂકંપ આવી ગયો છે. આ દરમિયાન જ સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન અચાનક જ પોતાના તમામ મહત્વના સરકારી કાર્યક્રમો પડતા મૂકીને તાબડતોબ દિલ્હી દોડી જતાં સચિવાલયથી લઈને મનપાના ગલિયારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. 13 જૂન, 2026ના રોજ સામે આવેલા અહેવાલ મુજબ ગુજરાતનો શહેરી વિકાસ વિભાગ પણ આ પ્રકરણ પર પળેપળની નજર રાખી રહ્યો છે.
આ ભયંકર વિવાદના મૂળમાં નાસીરનગરની બાજુમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતી જમીન અને તેના પર બિલ્ડરો દ્વારા આકાર પામનારો ભવ્ય મેગા પ્રોજેક્ટ છે. કાયદાકીય નિયમો મુજબ જ્યાં સુધી ત્યાં જવાનો મુખ્ય રસ્તો ખુલ્લો ન થાય ત્યાં સુધી બિલ્ડરનો પ્લાન પાસ થઈ શકે તેમ નહોતો, તેથી કરોડોની કમાણી કરવા માટે બિલ્ડરોએ ગરીબોના આશિયાના ઉજ્જડ કરવાનો આ આખો કારસો રચ્યો હતો. આ ગેરકાયદે કામગીરીમાં સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના ડીસીપી રાજદિપસિંહ નકુમ અને પી.આઈ. અતુલ સોનારાની ભૂમિકા અત્યંત સક્રિય અને શંકાસ્પદ રહી હોવાની ચર્ચા છે. પોલીસ મુખ્યાલય (હેડક્વાર્ટર) ની અંદર જ બેસીને ડિમોલિશનની આખી સ્ક્રિપ્ટ લખાઈ હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યાં છે.
બીજી તરફ, વિપક્ષ કોંગ્રેસ દ્વારા શાસક પક્ષ અને સરકારી તંત્ર સામે મોરચો ખોલીને ગંભીર આક્ષેપો કરાયા છે કે મનપાના વિવાદાસ્પદ અધિકારી સુજલ પ્રજાપતિ, જયાંગ જીવન રામજીવાલા અને પોલીસ અધિકારીઓએ મળીને બિલ્ડર વતી આ આખી 'સોપારી' પાર પાડી છે. આ કૌભાંડ બહાર આવતા જ મનપા કમિશનર દ્વારા તાત્કાલિક ધોરણે 6 સભ્યોની હાઈ-લેવલ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીએ આક્રમક વલણ અપનાવતા સેન્ટ્રલ ઝોનના ચીફ આશિષ નાયકને એક કડક પત્ર પાઠવીને આદેશ કર્યો છે કે નાસીરનગરમાં થયેલા ડિમોલિશનની તમામ કામગીરીનો સંપૂર્ણ વિગતવાર રિપોર્ટ આગામી 16 જૂન સુધીમાં સમિતિ સમક્ષ ફરજિયાત રજૂ કરવામાં આવે.
બિલ્ડરના ફાયદા માટે ગરીબોના ઘર પર ફેરવાયું બુલડોઝર નાસીરનગર ભૂતિયા ડિમોલિશન સ્થળની બિલકુલ નજીક જ 'એલિગન્સ' નામનો હાઈ-પ્રોફાઈલ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બની રહ્યો છે. બિલ્ડરોની પીવીસી (PVC) ફાઈલ રસ્તાના વાંકે જ અટકેલી હોવાથી સત્તાવાર પ્રોપર રસ્તો મેળવવા માટે વહીવટી તંત્ર અને પોલીસ પ્રોટેક્શનનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. પાવર કટ કરવા માટે ટોરેન્ટ પાવરને ફોન કરવાથી લઈને જેસીબી ફેરવવા સુધીની તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ થઈ ચૂકી છે.