Loading Please Wait !!!
અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ: નેત્રોત્સવ વિધિ સંપન્ન

ભક્તિભાવ સાથે શરૂ થયો ત્રિ-દિવસીય મહોત્સવ, સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત

 ૧૬ જુલાઈએ નગરચર્યાએ નીકળશે ભગવાન, મંગળા આરતીથી થશે આરંભ

અસામાજિક તત્વો પર નજર રાખવા AI અને ૬૫,૦૦૦ ફેસ રેક્ઝનિશનનો ઉપયોગ

સિટી ન્યુઝ @ અમદાવાદ

અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાનારી ૧૪૯મી જગન્નાથ રથયાત્રાનો સત્તાવાર ત્રિ-દિવસીય કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. ૧૪ જુલાઈના રોજ વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીની 'નેત્રોત્સવ' વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ અવસરે હર્ષ સંઘવીએ ખાસ હાજરી આપી મહાઆરતી કરી હતી અને રથયાત્રાના રૂટનું ખુલ્લી જીપમાં નિરીક્ષણ કર્યું હતું. ૧૫ જુલાઈએ પ્રભુના ભવ્ય 'સોનાવેશ' શણગાર અને રથ પ્રતિષ્ઠાના કાર્યક્રમો યોજાશે, ત્યારબાદ ૧૬ જુલાઈ, ગુરુવારે સવારે ૭:૦૦ વાગ્યે ભગવાન નગરચર્યાએ નીકળશે.

રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા તંત્રએ જણાવ્યું હતું કે સુરક્ષા માટે ૧૦ IG, ૪૨ DCP અને ૮૮ ACP સહીત વિશાળ પોલીસ ફોર્સ તૈનાત રહેશે. આ ઉપરાંત ૮૦૦ થી વધુ PI અને પેરામિલીટ્રી ફોર્સને પણ જવાબદારી સોંપવામાં આવી છે. સુરક્ષામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા ૧૦૦ થી વધુ ડ્રોન અને ૬૫,૦૦૦ થી વધુ ફેસ રેક્ઝનિશન કેમેરા દ્વારા સતત સર્વેલન્સ કરવામાં આવશે. ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ નાગરિકોને ભયજનક ઇમારતો પાસે ઉભા ન રહેવા અપીલ કરી છે.

રથયાત્રાના મુખ્ય દિવસે એટલે કે ૧૬ જુલાઈના રોજ સવારે ૪:૦૦ વાગ્યે મંગળા આરતી થશે, જેમાં અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સવારે ૫:૩૦ વાગ્યે ભગવાનનો રથમાં શાહી પ્રવેશ થશે અને ૭:૦૦ વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે 'પહિંદ વિધિ' સંપન્ન થયા બાદ ભવ્ય રથયાત્રા નગરચર્યા માટે પ્રસ્થાન કરશે. પોલીસ દ્વારા ૫૯ નાકા પોઈન્ટ્સ બનાવીને શહેરની સુરક્ષા વ્યવસ્થાને સ્માર્ટ અને અભેદ્ય બનાવવામાં આવી છે, જેથી આસ્થાના આ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થાય.

રથયાત્રાનો કાર્યક્રમ અને સુરક્ષા

 

  • ૧૫ જુલાઈ: સવારે ૧૦:૩૦ વાગ્યે ભગવાનનો ભવ્ય 'સોનાવેશ', ૧૧:૩૦ વાગ્યે રથ પ્રતિષ્ઠા.

  • ૧૬ જુલાઈ: સવારે ૪:૦૦ વાગ્યે મંગળા આરતી, ૭:૦૦ વાગ્યે પહિંદ વિધિ અને રથ પ્રસ્થાન.

  • સુરક્ષા: ૧૦ IG, ૪૨ DCP, ૮૮ ACP અને ૮૦૦ PI તૈનાત.

  • ટેકનોલોજી: ૧૦૦ થી વધુ ડ્રોન અને ૬૫,૦૦૦ ફેસ રેક્ઝનિશન કેમેરાનો ઉપયોગ.

  • માર્ગ: ૧૬.૫ કિમીની કુલ નગરચર્યા, જેની સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.