HIV ગ્રસ્ત CRPF મહિલાકર્મીના પ્રમોશન મામલે હાઇકોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો ઉધડો લીધો
-
હાઇકોર્ટના આદેશ છતાં લાભ ન અપાતાં કેન્દ્રીય ગૃહ સચિવ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીની ચેતવણી
-
આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (મિનિસ્ટ્રીઅલ) પોસ્ટના વર્ષ 2011 ના પ્રમોશન નિયમો સામે અરજી દાખલ કરાઈ હતી
-
2016 થી મળવાપાત્ર લાભના બદલે 2019 થી પ્રમોશન આપવાની તંત્રની દલીલો કોર્ટે સદંતર ફગાવી દીધી
સિટી ન્યુઝ @ અમદાવાદ
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) માં ફરજ બજાવતી HIV ગ્રસ્ત મહિલા કર્મચારીને કોર્ટના સ્પષ્ટ આદેશ છતાં સમયસર પ્રમોશન અને એરિયર્સના નાણાકીય લાભ ન આપવા બદલ ગુજરાત હાઇકોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સામે કડક વલણ અપનાવ્યું છે. અદાલતે ગૃહ મંત્રાલયની ભેદભાવપૂર્ણ નીતિની આકરી ઝાટકણી કાઢતાં ચેતવણી આપી છે કે જો નિર્ધારિત સમયમાં આદેશનું પાલન નહીં થાય તો કેન્દ્રીય ગૃહ સચિવ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી હાથ ધરાશે.
મહિલા અરજદારે એડવોકેટ સ્વપ્નેશ્વર ગૌતમ મારફતે હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને CRPF માં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (મિનિસ્ટ્રીઅલ) પોસ્ટના પ્રમોશન માટેના વર્ષ 2011 ના નિયમોને પડકાર્યા હતા. અરજદાર HIV ગ્રસ્ત હોવાના કારણે મેડિકલ બોર્ડે તેઓ 'શેપ-01' કેટેગરીમાં આવતા ન હોવાનું જણાવી પ્રમોશન આપવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેમના જુનિયર્સને પ્રમોશન આપી દેવાયું હતું.
હાઇકોર્ટના આદેશ છતાં તંત્ર દ્વારા અરજદારને વર્ષ 2016 ના બદલે 2019 થી પ્રમોશન આપવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. જોકે અરજદારના જુનિયર્સને 2016 માં લાભ મળી ચૂક્યો હોવાથી અને અરજદારનો રિપોર્ટ વર્ષ 2015 માં પણ થયેલો હોવાથી તેઓ 2016 થી જ હકદાર બનતા હોવાનું નોંધી કોર્ટે મંત્રાલયની P1 થી P5 કેટેગરીની દલીલો સદંતર ફગાવી દીધી હતી.
હાઇકોર્ટે ટકોર કરી હતી કે જો કોઈ કર્મચારી લડાયક ટુકડી (કોમ્બેટ રોલ) માં હોય તો શારીરિક ક્ષમતાની શરતો સમજી શકાય, પરંતુ સિવિલ કે મિનિસ્ટ્રીઅલ ડેસ્ક જોબમાં જ્યાં કોઈ ફિલ્ડ વર્ક નથી ત્યાં મેડિકલ કન્ડિશનના બહાને પ્રમોશન રોકવું ગેરબંધારણીય છે. કોર્ટે પૂછ્યું હતું કે હૃદયરોગ કે ડાયાબિટીસ ધરાવતા કર્મચારીઓને કઈ કેટેગરીમાં મૂકશો અને આવા નિયમો પાછળ શું તર્ક છે.
અદાલતે ભારપૂર્વક જણાવ્યું કે સર્વિસ દરમિયાન HIV નો ચેપ લાગ્યો હોય તો તેના આધારે પ્રમોશન અટકાવી શકાય નહીં અને આવો ભેદભાવ બંધારણના આર્ટિકલ 14, 16, 21 તેમજ HIV એક્ટ 2017 નો ખુલ્લો ભંગ છે. હાઇકોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સમગ્ર મામલે પૂર્વગ્રહમુક્ત બની આદેશના સંપૂર્ણ અમલ માટે 3 અઠવાડિયાનો આખરી સમય આપ્યો છે.
CRPF મહિલાકર્મીના પ્રમોશન મુદ્દે હાઇકોર્ટ કડક
ગુજરાત હાઇકોર્ટે CRPF ની HIV ગ્રસ્ત મહિલા કર્મચારીને સમયસર પ્રમોશન અને એરિયર્સ ન આપવા બદલ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ઝાટકણી કાઢી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સિવિલ ડેસ્ક જોબમાં મેડિકલ આધારે પ્રમોશન રોકવું ગેરબંધારણીય છે અને HIV એક્ટનો ભંગ છે. આદેશનું પાલન ન થવા પર ગૃહ સચિવ સામે કન્ટેમ્પ્ટની ચીમકી આપી 3 અઠવાડિયાનો સમય અપાયો છે.