ભાવનગરની સમરસ હોસ્ટેલમાં અમાનવીય વ્યવહાર: ઢોકળામાંથી સિગારેટ અને દાળમાંથી કીડા નીકળ્યા!
-
છેલ્લા 5 મહિનાથી ભોજનમાં જીવજંતુઓ અને સિગારેટ નીકળતા હોવાનો આક્ષેપ.
-
નાસ્તો અને જમવા માટે યોગ્ય અને સ્વચ્છ પ્લેટ કે ગ્લાસ પણ મળતા નથી.
-
મેડિકલ ઈમરજન્સીમાં રજા ન આપવા અને એડમિશન કેન્સલ કરવાની ધમકી આપાઈ
સિટી ન્યુઝ @ ભાવનગર
ભાવનગર, ભાવનગરની સમરસ છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીઓએ ભોજનની અત્યંત નબળી ગુણવત્તા અને અમાનવીય વ્યવહાર સામે ગઈકાલે મોડી રાત્રે ભારે વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થિનીઓએ ગંભીર આક્ષેપ કર્યા છે કે ભોજનમાં ઢોકળામાંથી સિગારેટ તથા દાળ-ભાતમાંથી કીડા-મકોડા નીકળે છે. આ ઉપરાંત અસ્વચ્છ પ્લેટ-ગ્લાસ અને પાણીની ભારે તંગી તેમજ હોસ્ટેલ સંચાલકો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપો સાથે છાત્રાઓએ વિરોધ દર્શાવ્યો હતો.
છાત્રાઓ અને ABVP ના હોદ્દેદારોના જણાવ્યા મુજબ છેલ્લા 4 થી 5 મહિનાથી ભોજનમાં જીવજંતુઓ, કીડા અને પ્લાસ્ટિક જેવી અસ્વચ્છ વસ્તુઓ નીકળી રહી છે. હોસ્ટેલમાં પીવાના પાણીમાં પણ લીલ જામતી હોવાને કારણે વિદ્યાર્થિનીઓ ગંભીર બીમારીઓનો ભોગ બની રહી છે, જેમાં એક વિદ્યાર્થિનીને ટાઈફોઈડ થતાં હોસ્પિટલમાં ભરતી કરાવવી પડી હતી. જ્યારે પણ ઈન્સ્પેક્શન આવે ત્યારે જ કામચલાઉ સફાઈ કરવામાં આવતી હોવાનો દાવો પણ કરાયો છે.
વિદ્યાર્થિનીઓએ વધુમાં જણાવ્યું કે હોસ્ટેલની બહાર સુરક્ષાના પૂરતા બંદોબસ્તના અભાવે અસામાજિક તત્વોનો ત્રાસ રહે છે. મેડિકલ ઈમરજન્સી કે વાલીની તબિયત ખરાબ હોય તેવા સંજોગોમાં પણ પૂરતી રજા આપવામાં આવતી નથી, અને જો કોઈ વિદ્યાર્થિની આ અન્યાય સામે રજૂઆત કરે તો તેનું એડમિશન કેન્સલ કરવાની કે વાલીઓને બોલાવવાની ધમકીઓ આપવામાં આવે છે.
મોડી રાત્રે હોસ્ટેલમાં હોબાળો મચતાં કલેક્ટરની સૂચનાથી SDM અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે હોસ્ટેલના કિચનનું નિરીક્ષણ કર્યું હતું અને વિદ્યાર્થિનીઓના તમામ પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળ્યા હતા. નાયબ નિયામકે પણ સ્થળ પર પહોંચીને તમામ ફરિયાદોનું યોગ્ય મૂલ્યાંકન કરીને આવતીકાલ સુધીમાં નિકાલ લાવવાની ખાતરી આપી હતી.
તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે સ્થાનિક કક્ષાએ ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે અને નીતિગત વિષયો માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજીને કડક સૂચનાઓ આપવામાં આવશે.