મહાપાલિકા ‘રામ’ ભરોસે !
- રાજકોટ મહાનગરપાલિકાની 50થી વધુ મહત્વની જગ્યાઓ ખાલી
- 19 જગ્યાઓ પર ઇંચાર્જ અધિકારીઓથી વહિવટ ચાલે છે
- જે જગ્યાનો જે-તે અધિકારીને સંપૂર્ણ ચાર્જ આપવામાં આવશે ત્યારે જ રાજકોટ વિકાસની વાટ પકડી શકશે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાનો વહિવટ લાંબા સમયથી ખાડે ગયો છે અને શહેરીજનોને પોતાના નાનાં-મોટા કામ માટે વારંવાર ધક્કા ખાવાનો વારો આવે છે. તાજેતરમાં યોજાયેલી જનરલ બોર્ડમાં વહિવટી તંત્ર દ્વારા એક એવો ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે મહાનગરપાલિકામાં વર્ગ-૧ અને વર્ગ-૨ની ૫૦ થી વધુ અતિ મહત્વપૂર્ણ જગ્યાઓ ખાલી પડી છે. તેમજ કુલ ૧૯ જગ્યાઓ ઉપર હાલ ઇંચાર્જ અધિકારીઓથી ગલબદાઈરહ્યું છે. વોર્ડ નં.- ૪નાં કોર્પોરેટર મનીષાબેન રોજાસરા દ્વારા જનરલ બોર્ડમાં અધિકારીઓની ઘટ અંગે માંગવામાં આવેલી વિગતોના આધારે આ સમગ્ર વાસ્તવિકતા સામે આવી છે. મંજૂર થયેલી જગ્યાઓ અને હાલમાં ભરાયેલી જગ્યાઓના આંકડાઓ જોતા મહાનગરપાલિકાનું વહિવટી માળખું કેટલું ખોખલું થઈ ગયું છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવે છે.
મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ, વર્ગ-૧ અને વર્ગ-૨ની કુલ ૧૮૪ મંજૂર થયેલી જગ્યાઓમાંથી હાલ માત્ર ૧૩૪ જગ્યાઓ જ ભરાયેલી છે, જ્યારે ૫૦ જગ્યાઓ ખાલી છે. વર્ગ-૧ ની વાત કરવામાં આવે તો કુલ ૩૫ જગ્યાઓ મંજૂર થયેલી છે, જેમાં માત્ર ૧૦ જગ્યાઓ પર જ કાયમી અધિકારીઓ નિમાયેલા છે અને ૨૫ જગ્યાઓ ખાલી પડી છે. આવી જ રીતે વર્ગ-૨ માં કુલ ૧૪૯ જગ્યાઓ મંજૂર થયેલી છે, જેમાંથી ૧૨૪ જગ્યાઓ પર ભરતી થયેલી છે અને ૨૫ જગ્યાઓ ખાલી છે. કાયમી અધિકારીઓની આટલી મોટી સંખ્યામાં અસ્થત હોવાના કારણે સમગ્ર વહિવટ પર તેની વિપરીત અસર પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કુલ ૨૮ આઈએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જેમાં રાજકોટમાં અલગ-અલગ વિભાગમાં ફરજ બજાવતા ૨ અધિકારીઓની અન્યત્ર બદલી કરી દેવામાં આવી છે.
કેટલી જગ્યાઓ ઉપર ઇંચાર્જથી ચાલે છે
ખાલી જગ્યાઓના કારણે હાલમાં વિવિધ વિભાગોમાં ૧૯ જગ્યાઓ પર ઇંચાર્જ અધિકારીઓથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. વર્ગ-૧ ની ૧૭ જગ્યાઓ પર ઇંચાર્જ અધિકારીઓ મૂકવામાં આવ્યા છે, જેમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર-૧, નાયબ મ્યુનિસિપલ કમિશનર-૧, સિટી ઇજનેર સ્પેશ્યલ-૨, એડિશનલ સિટી ઇજનેર (સિવિલ)-૨, એડિશનલ સિટી ઇજનેર (ઇલેક્ટ્રિક અને મિકેનિક)-૧, ડાયરેક્ટર આઈટી-૧, ચીફ ફાયર ઓfficer-૧, ડાયરેક્ટર પે એન્ડ પાર્કસ-૧, પર્યાવરણ ઇજનેર-૧ અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર-૬ ની જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વર્ગ-૨ માં નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) ની ૧ અને ડેપ્યુટી ડાયરેક્ટર (આઈટી) ની ૧ જગ્યા પણ ઇંચાર્જથી ચલાવવામાં આવી રહી છે. ગંભીર બાબત તો એ છે કે ત્રણ અધિકારીઓ એવા છે જેની પાસે એક કરતાં વધુ ચાર્જ સોંપાયેલા છે, જેમાં સિટી એન્જિનિયર સ્પેશ્યલની ૧ જગ્યા અને મેનેજરની ૨ જગ્યાઓનો સમાવેશ થાય છે.
IAS લોબીમાં રાજકોટની છાપ ખરાબ થઈ હોવાની ચર્ચા ?
રાજકોટના સિનિયર અધિકારીઓમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, રાજકોટમાં વિવિધ જટિલ પ્રશ્નો અને આંતરિક સમસ્યાઓ હોવાના કારણે કોઈ પણ આઈએએસ અધિકારી અહીં પોસ્ટિંગ લેવા તૈયાર થતા નથી. જે અધિકારીઓ અહીં ફરજ બજાવી રહ્યા છે તેઓ પણ વહેલી તકે અન્યત્ર બદલી કરાવીને જવામાં રસ દાખવી રહ્યા છે. આમ, સિવિલ સર્વિસની આઈએએસ લોબીમાં રાજકોટની છાપ ખરાબ થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જેની સીધી અસર શહેરના વિકાસ અને પ્રજાકીય કામો પર પડી રહી છે.