રાજકોટના વેપારી સાથે 144 કરોડની છેતરપિંડી અમદાવાદના CA સહિત ત્રણ સામે ફરિયાદ
» ત્રિપુટીએ ઈન્ડોનેશિયન કોલસો ઈમ્પોર્ટ કરી ભારતમાં વેચાણ કરતા હોવાનું કહીં રોકાણ કરાવ્યું » રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કરી ત્રણેય ભેજાબાજોની ધરપકડ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના વેપારી અને તેમના પરિચિતો પાસેથી ઈન્ડોનેશિયન કોલસાના ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં ઊંચા વળતરની લાલચ આપી રૂ.૧૫૮.૬૧ કરોડની છેતરપિંડી કરાયાની ફરિયાદ રાજકોટ EOWમાં નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે અમદાવાદના CA સહિત કંપનીના ૩ ડિરેક્ટરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી જયેશભાઈ મુળજીભાઈ અકબરી તથા તેમના પરિચિતો દેવુભાઈ બોદર, જોડાભાઈ બોદરા, રસિકભાઈ બોદર અને ભાનુબેન બોદરની લોધીકાના વડ વાજડી ગામની બિનખેતી જમીન સહિતની મિલકતો થી કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ લિ.માં મોર્ગેજ મુકાવી કુલ રૂ.૧,૫૮,૬૧,૧૮,૭૦૦ની લોન/CC મેળવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદ મુજબ, આરોપીઓએ ટેરેસ્ટ રિસોર્સીસ પ્રા.લિ.માં ઈન્ડોનેશિયન કોલસો મોટા પ્રમાણમાં ઈમ્પોર્ટ કરી ભારતમાં વેચવાનો વ્યવસાય હોવાનું જણાવી રોકાણકારોને લોનની રકમ કંપનીમાં ડિપોઝિટ કરાવવા પ્રેર્યા હતા. રોકાણકારોને ૫ વર્ષમાં કંપનીનું ટર્નઓવર રૂ.૧૬૫૦થી રૂ.૨૨૦૦ કરોડ થવાની તથા તેમાંથી મોટો નફો અને ઊંચું વળતર મળવાની લાલચ અપાઈ હતી.
આરોપીઓએ સમયાંતરે બોગસ ઓડિટ રિપોર્ટે અને ખરીદ-વેચાણ અંગેના ઈ-મેઈલ મોકલી રોકાણકારોને માહિતી આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. ૫ વર્ષ વીતી ગયા છતાં મુડી કે વળતર પરત ન મળતાં સમગ્ર મામલો સામે આવ્યો હોવાનું જણાવાયું છે. બેંકની લોન/CCના રિઅ્યુઅલ સમયે રોકાણકારોની મંજૂરી કે સહી વગર દસ્તાવેજોમાં ખોટી સહીઓ કરાવા નો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. EOWએ ટેરેસ્ટ રિસોર્સીસ પ્રા.લિ.ના ડાયરેકટર જય હર્ષદકુમાર ચોટલીયા (CA, અમદાવાદ), મનીષ ગોવિંદભાઈ ડાંગી (અમદાવાદ) અને મિતેશ કીરીટકુમાર સંઘવી (રાજકોટ) સામે ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને કૂટદસ્તાવેજ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. સમગ્ર વ્યવહારમાં નાણાંનો ઉપયોગ, દસ્તાવેજો અને કંપનીની કામગીરી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.