સૌરાષ્ટ્રમાંથી દેશભરમાં દર વર્ષે 17 કરોડ લીલા નાળિયેરનું ધૂમ વેચાણ: ગીર સોમનાથ વાવેતરમાં મોખરે
-
ગીર સોમનાથમાં 11,000 અને જૂનાગઢમાં 6,770 હેક્ટરમાં નાળિયેરીનું વિપુલ વાવેતર નોંધાયું
-
ગુજરાતમાં વાર્ષિક 26 કરોડ નાળિયેરના કુલ ઉત્પાદનમાંથી 17.42 કરોડ એકલા સોરઠ પંથકમાંથી
-
કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ અને બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને આકર્ષક ઇન્સેન્ટિવ્સ અપાતાં વાવેતર વધ્યું
સિટી ન્યુઝ @ ગીર સોમનાથ
ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠે આવેલા કૃષિ વિસ્તારોમાં નાળિયેરીની ખેતી ખેડૂતો માટે અત્યંત નફાકારક રોકડિયો પાક સાબિત થઈ રહી છે. રાજ્યમાં કુલ 28,000 હેક્ટર જમીનમાં નાળિયેરીનું વાવેતર થાય છે, જે પૈકી એકલા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનો સંયુક્ત હિસ્સો 17,500 હેક્ટર જેટલો વિશાળ છે.
વાવેતરની દ્રષ્ટિએ ગીર સોમનાથ જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે છે, જ્યાં 11,000 હેક્ટરમાં વાવેતર થયેલું છે અને તેમાં માત્ર વેરાવળ પંથકમાં જ 6,500 હેક્ટર જમીન આવરી લેવાઈ છે. જૂનાગઢ જિલ્લામાં પણ 6,770 હેક્ટરથી વધુ જમીનમાં નાળિયેરીના બગીચાઓ આવેલા છે. સામાન્ય રીતે એક હેક્ટરમાં 177 નાળિયેરીના ઝાડ વાવવામાં આવે છે, જેમાંથી સરેરાશ વાર્ષિક 13,000 નાળિયેરનું મબલખ ઉત્પાદન મળે છે.
ગુજરાતમાં દર વર્ષે આશરે 26 કરોડ નાળિયેર પાકે છે, જેમાંથી એકલા સૌરાષ્ટ્રમાંથી 17 કરોડથી વધુ લીલા નાળિયેરનું દેશભરના વિવિધ રાજ્યોમાં વેચાણ થાય છે. ખેતીવાડી અધિકારી વિશાલ હદવાણીના જણાવ્યા મુજબ ખેડૂતો હવે પરંપરાગત દેશી ઉપરાંત હાઇબ્રિડ ડીટી, ટીડી, લોટણ અને ફોસનોબા જેવી સુધારેલી જાતોનું મોટા પાયે વાવેતર કરી રહ્યા છે.
ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ અને રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા વિશેષ આર્થિક સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકાર 4 હેક્ટર સુધી પ્રતિ હેક્ટર રૂ. 37,500 લેખે મહત્તમ રૂ. 1.50 લાખ તેમજ બોર્ડ દ્વારા 2 હેક્ટર સુધી રૂ. 1.12 લાખ સુધીનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.
સૌરાષ્ટ્રના ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડ પર નિર્ભર રહ્યા વિના વાડીઓમાંથી જ સીધું વેચાણ કરવાનું નેટવર્ક ઊભું કર્યું છે. માંગરોળ, ચોરવાડ, કુકસવાડા અને ગડુથી રોજેરોજ ટ્રકો ભરાઈને મુંબઈ તેમજ અન્ય રાજ્યોમાં પહોંચે છે. દક્ષિણ ભારતની સરખામણીએ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘણો ઓછો થતો હોવાથી દેશના વેપારીઓમાં સૌરાષ્ટ્રના મીઠા લીલા નાળિયેરની અપ્રતિમ માંગ રહે છે.
સૌરાષ્ટ્રમાંથી 17 કરોડ નાળિયેરનું વેચાણ
ગુજરાતમાં 28,000 હેક્ટરમાં નાળિયેરીનું વાવેતર થાય છે, જેમાં ગીર સોમનાથ 11,000 હેક્ટર સાથે મોખરે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર વર્ષે દેશભરમાં 17 કરોડ લીલા નાળિયેરનું વેચાણ થાય છે. સરકાર અને કોકોનટ બોર્ડ દ્વારા પ્રતિ હેક્ટર રૂ. 37,500 સુધી સહાય મળતાં વાવેતર વધ્યું છે. માંગરોળ અને ગડુ પંથકમાંથી સીધા ટ્રકો ભરાઈને મુંબઈ સુધી સપ્લાય થાય છે.