સગી બહેન નહોતી છતાં 3000 બહેનોના ભાઈ બન્યા: સુરતના શિક્ષક નરેશ મહેતાનું પ્રેરણાદાયી કાર્ય
-
છેલ્લા 12 વર્ષથી અભ્યાસ છોડી ચૂકેલી બહેનોને વિનામૂલ્યે ઓનલાઇન શિક્ષણ આપી રહ્યા છે
-
સાડી-દોરા કટિંગનું કામ કરતી દીકરીઓને ઘરે જઈને ભણાવવાની શરૂઆત કરી હતી
-
કોરોના કાળમાં હેલ્પલાઇન દ્વારા સુરતથી શરૂ થયેલું મફત શિક્ષણ અભિયાન સમગ્ર ગુજરાતમાં વિસ્તર્યું
સિટી ન્યુઝ @ સુરત
સુરતમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. મૂળ અમરેલીના રાજુલા પંથકના અને સુરતમાં નગર પ્રાથમિક શિક્ષક તરીકે સેવા આપતા નરેશ મહેતાને પોતાની કોઈ સગી બહેન નથી, છતાં તેમણે છેલ્લા 12 વર્ષમાં ગુજરાતભરની 3000 થી વધુ જરૂરિયાતમંદ બહેનો-દીકરીઓને વિનામૂલ્યે શિક્ષણ આપી તેમના સપનાઓને નવી પાંખો આપી છે. આ વર્ષે પણ રક્ષાબંધનના પર્વે સુરતમાં આયોજિત વિશેષ સ્નેહમિલનમાં 321 જેટલી બહેન-દીકરીઓએ એકસાથે ઉપસ્થિત રહીને નરેશભાઈને રાખડી બાંધી હતી.
વર્ષ 2015 માં આર્થિક તંગીના કારણે અભ્યાસ અધૂરો છોડીને સાડી, લેસ કે દોરા કટિંગના મજૂરીકામમાં જોડાઈ ગયેલી દીકરીઓને નરેશભાઈએ તેમના ઘરે જઈને અનુકૂળ સમયે ડોર-ટુ-ડોર ભણાવવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2020 માં કોરોના મહામારી દરમિયાન સોશિયલ મીડિયા અને હેલ્પલાઈનના માધ્યમથી આ અભિયાનને ઓનલાઈન સ્વરૂપ આપવામાં આવ્યું, જે જોતજોતામાં સમગ્ર ગુજરાતના અંતરિયાળ ગામડાઓ સુધી વિસ્તરી ગયું હતું.
નરેશ મહેતા દ્વારા વર્ષો પહેલાં શાળા છોડી ચૂકેલી પરિણીત મહિલાઓ તેમજ ડ્રોપઆઉટ વિદ્યાર્થિનીઓને ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાઓ તેમજ કોલેજ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી વિનામૂલ્યે કરાવવામાં આવે છે. તેમણે ભણાવેલી હજારો બહેનો આજે ડોક્ટર, શિક્ષિકા, બેંક કર્મચારી તેમજ વિવિધ હોસ્પિટલો અને સંસ્થાઓમાં પ્રતિષ્ઠિત પદો પર નોકરી મેળવીને આત્મનિર્ભર બની છે. શિક્ષણની સાથે સાથે તેઓ મહિલાઓને સાયબર ક્રાઈમ અને ઓનલાઈન ફ્રોડ સામે પણ જાગૃત કરે છે.
વર્ષ 2024 થી શરૂ થયેલી રક્ષાબંધનની આ સામૂહિક ઉજવણીના ત્રીજા વર્ષે, માર્ચ 2027 માં બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલી અને પૂર્વ વિદ્યાર્થિનીઓ સહિત 321 દીકરીઓએ એકત્ર થઈને પોતાના આ ગુરુ અને 'શિક્ષક ભાઈ'ને રાખડી બાંધીને આશીર્વાદ લીધા હતા.
શિક્ષકની 3000 બહેનો: સુરતમાં રક્ષાબંધન
સુરતના શિક્ષક નરેશ મહેતાએ સગી બહેન ન હોવા છતાં અભ્યાસ છોડી ચૂકેલી 3000 થી વધુ દીકરીઓને 12 વર્ષમાં મફત ઓનલાઇન ભણાવી આત્મનિર્ભર બનાવી છે. રક્ષાબંધને 321 બહેનોએ તેમને રાખડી બાંધી હતી. તેમણે તૈયાર કરેલી ઘણી દીકરીઓ આજે ડોક્ટર અને શિક્ષિકા બની પગભર થઈ છે.