તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરમાં બે શિવલિંગ: પૌરાણિક પાંચાળ ભૂમિનો મહિમા
-
વિશ્વ પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરમાં અતિ પ્રાચીન અને નવીન શિવલિંગના દર્શન
-
ભગવાન વિષ્ણુએ શિવજીને નેત્ર અર્પણ કરતાં 'ત્રિનેત્રેશ્વર' નામ પડ્યાની પૌરાણિક કથા
-
ગુર્જર પ્રતિહાર શૈલીમાં 10મી સદીમાં નિર્મિત શિવાલય પુરાતત્વ ખાતા હસ્તક સુરક્ષિત
સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક આવેલી ઐતિહાસિક પાંચાળ ભૂમિ પર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવ (તરણેતર) મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હજારો શિવભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે. આ પવિત્ર ધામમાં એક સાથે સ્થાપિત 2 વિશિષ્ટ શિવલિંગના દર્શન કરવાનો મહિમા અનેરો છે. આ મંદિર માત્ર શ્રદ્ધાનું જ નહીં પરંતુ ગુર્જર પ્રતિહાર શૈલીના 10મી સદીના અજોડ શિલ્પકલા વારસાનું પણ ઉત્કૃષ્ટ પ્રતીક છે.
મંદિરમાં સ્થાપિત 2 શિવલિંગ પૈકી મોટું શિવલિંગ અતિ પ્રાચીન છે, જ્યારે નાનું શિવલિંગ લખતરના રાજવી કરણસિંહજીએ ઓગસ્ટ 1902 માં મંદિરના જીર્ણોદ્ધાર સમયે સ્થાપિત કર્યું હતું. પૌરાણિક કથા અનુસાર, 78,000 ઋષિમુનિઓની આ તપોભૂમિ પર ભગવાન વિષ્ણુ રોજ 1,008 કમળ શિવજીને અર્પણ કરતા હતા. એક સમયે 1 કમળ ઓછું પડતાં શ્રીહરિએ પોતાનું જમણું નેત્ર ચડાવી દીધું હતું. મહાદેવે પ્રસન્ન થઈને તે નેત્ર કપાળમાં ધારણ કર્યું, જેથી આ તીર્થ 'ત્રિનેત્રેશ્વર' અને ક્ષેત્ર 'તરણેતર' તરીકે ઓળખાયું.
મહાભારત કાળના પાંચાળ પ્રદેશનો ભાગ રહેલા આ સ્થળે રાજા દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર યોજાયો હતો. મંદિરમાં આવેલા વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ પૈકીના કુંડમાં અર્જુને બ્રાહ્મણ વેશમાં મત્સ્યવેધ કરીને દ્રૌપદી સાથે વિવાહ કર્યા હોવાની લોકવાયકા છે. અયોધ્યાના રાજા માંધાતાએ પણ અહીં મંદિર નિર્માણ કરાવ્યું હોવાનું મનાય છે.
ગુર્જર પ્રતિહાર શૈલીનું આ શિવાલય પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત છે. લખતરના ઠાકોર કરણસિંહજીએ વર્ષ 1902 માં પોતાની પુત્રી કરણબાની સ્મૃતિમાં આ મંદિરનો આધુનિક જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
આ પવિત્ર તીર્થ ખાતે ભાદરવા સુદ-ચોથે પાળિયાદ વિસામણ બાપુની જગ્યા પરથી 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. ત્યારબાદ ભાદરવા સુદ-પાંચમ (ઋષિ પંચમી) થી સતત 3 દિવસ સુધી વિશ્વવિખ્યાત ભાતીગળ લોકમેળો યોજાય છે. જેમાં વિવિધ સમાજના લોકો પરંપરાગત પોશાકમાં રાસ, હુડો, દુહા, છંદ, અશ્વદોડ અને રંગબેરંગી ભરતકામવાળી છત્રી હરીફાઈ જેવી પરંપરાગત રમતો સાથે લોકસંસ્કૃતિ ઉજવે છે.
તરણેતરમાં બે શિવલિંગ અને મહાભારત કાળનો વારસો
સુરેન્દ્રનગરના થાનગઢ સ્થિત ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાચીન અને 1902 માં સ્થાપિત બે શિવલિંગ આવેલા છે. વિષ્ણુ ભગવાને નેત્ર અર્પણ કરતાં આ સ્થળ ત્રિનેત્રેશ્વર કહેવાયું. મહાભારત કાળમાં અર્જુને અહીં મત્સ્યવેધ કર્યો હોવાની માન્યતા છે. ભાદરવા સુદ-ચોથે 52 ગજની ધજા ચડ્યા બાદ ઋષિ પંચમીએ વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ લોકમેળો ભરાય છે.