સુરતમાં માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં ધોરણ 8 ના વિદ્યાર્થીનો આપઘાત
-
મોરાભાગળ સ્થિત સ્વામિનારાયણ સ્કૂલમાં ધોરણ 8 માં અભ્યાસ કરતો હતો મૃતક વિદ્યાર્થી
-
ઘરમાં સામાન્ય ઝઘડા બાદ માતા જરૂરી કામ પતાવી 15-20 મિનિટમાં પરત ફરી ત્યારે ઘટના બની
-
મૃતક કિશોરે ઘરના દાદરની ગ્રીલ સાથે ગળેફાંસો લગાવી મોતને વહાલું કર્યું
સિટી ન્યુઝ @ સુરત
સુરતના ભેસાણ ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં મોરાભાગળ સ્થિત સ્વામિનારાયણ સ્કૂલમાં ધોરણ 8 માં અભ્યાસ કરતા 13 વર્ષીય કિશોરે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. ઘરમાં ભાઈ-બહેન વચ્ચે ચાલી રહેલી સામાન્ય મસ્તી અને બોલાચાલી દરમિયાન માતાએ આપેલા ઠપકાથી માઠું લાગી આવતાં સગીરે આ આત્યંતિક પગલું ભર્યું હતું.
ઘટના સમયે માતા પોતાના જરૂરી સરકારી દસ્તાવેજોનું કામ પતાવવા માટે ઘરની બહાર ગઈ હતી. માત્ર 15 થી 20 મિનિટના ટૂંકા ગાળામાં જ્યારે તે કામ પતાવીને ઘરે પરત ફરી, ત્યારે માસૂમ પુત્રને ઘરના દાદરની લોખંડની ગ્રીલ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોઈ સ્તબ્ધ થઈ ગઈ હતી.
બનાવ અંગે ભારે દુઃખ વ્યક્ત કરતાં મૃતક કિશોરના સંબંધી રાકેશભાઈએ જણાવ્યું હતું કે ઘરમાં બંને ભાઈ-બહેન સામાન્ય ઝઘડો કરી રહ્યા હોવાથી માતાએ તેમને ટોક્યા હતા. માતા પોતાના જરૂરી કાગળો લેવા ગઈ અને પરત આવી તેટલા સમયમાં જ કિશોરે આ પગલું ભરી લીધું હતું. તેમણે તમામ વાલીઓને પોતાના બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવા અને તેમની યોગ્ય કાળજી લેવા વિનંતી કરી હતી.
માસૂમ પુત્રના આ અણધાર્યા પગલાથી સમગ્ર પરિવારમાં કલ્પાંત ફેલાઈ ગયો છે અને વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. નાની ઉંમરના બાળકોમાં આવેશમાં આવીને આપઘાત કરવાના વધતા કિસ્સાઓએ ફરી એકવાર વાલીઓ અને સભ્ય સમાજને ગંભીરતાથી વિચારવા મજબૂર કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ મહેસાણામાં પણ ધોરણ 7 માં ભણતી એક વિદ્યાર્થિનીએ છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. આવા કિસ્સાઓને ધ્યાને રાખીને મનોચિકિત્સકો બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને વર્તન પર વાલીઓને વિશેષ ધ્યાન આપવા સલાહ આપી રહ્યા છે.
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત
સુરતના ભેસાણ ગામમાં ધોરણ 8 ના 13 વર્ષીય વિદ્યાર્થીએ માતાના સામાન્ય ઠપકા બાદ દાદરની ગ્રીલ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ભાઈ-બહેનની મસ્તી પર ટોક્યા બાદ માતા બહાર ગઈ હતી અને 15-20 મિનિટમાં પરત ફરતા પુત્રને મૃત હાલતમાં જોયો હતો. પરિવારે બાળકોને મોબાઈલથી દૂર રાખી કાળજી લેવા અપીલ કરી છે.