Loading Please Wait !!!
ભારત પાસે કુલ 190 પરમાણુ હથિયારો ઉપલબ્ધ

 

  • FASના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી

  • પરમાણુ પરીક્ષણો પરની સ્વૈચ્છિક રોક જાળવી રાખી

  • કટોકટીના સમયમાં ઝડપી તહેનાતી માટે વધારાના હથિયારો

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

અમેરિકાની ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિફિક્સ (FAS) દ્વારા તાજેતરમાં ભારતના પરમાણુ હથિયારો અંગે એક મહત્વપૂર્ણ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ હાલમાં ભારત પાસે અંદાજે 190 જેટલા અસેમ્બલ કરેલા પરમાણુ હથિયારો ઉપલબ્ધ છે, જેમાંથી 160થી વધુ હથિયારો સક્રિય ડિલિવરી સિસ્ટમ સાથે સીધા જોડાયેલા છે.

FAS જેવા સંગઠનોના અંદાજો વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય રહે છે કારણ કે પરમાણુ શક્તિ ધરાવતા દેશો પોતાના ભંડારની ચોક્કસ સંખ્યા જાહેરમાં જાહેર કરતા નથી. રિપોર્ટ અનુસાર કુલ ભંડાર 190 હથિયારોનો છે, જ્યારે બાકીના વધારાના હથિયારો અગ્નિ-પ્રાઇમ અને લાંબા અંતરની K-4 જેવી નવી મિસાઈલો અને ઉત્પાદન તબક્કામાં રહેલા ક્ષેત્રો માટે તૈયાર રાખવામાં આવ્યા છે.

વધારાના હથિયારો રાખવા પાછળનો મુખ્ય હેતુ ભવિષ્યની જરૂરિયાતો અને કટોકટીના સમયમાં ઝડપથી તહેનાતી કરવાનો છે. ભારતની પરમાણુ નીતિ હંમેશાં 'વિશ્વસનીય ન્યૂનતમ પ્રતિરોધક ક્ષમતા' પર ભાર મૂકે છે અને આ વધારાના હથિયારો આ ક્ષમતાને મજબૂત રાખવામાં મદદરૂપ સાબિત થાય છે, જેથી નવી સિસ્ટમ તૈયાર થતાં જ હથિયારો તુરંત ઉપલબ્ધ થઈ શકે.

આ તમામ વિકાસ વચ્ચે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ભારત પોતાની 'નો-ફર્સ્ટ-યુઝ' એટલે કે પરમાણુ હથિયારોનો પહેલો ઉપયોગ નહીં કરવાની નીતિ પર સંપૂર્ણપણે મક્કમ છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પરમાણુ હથિયારોનો ઉપયોગ માત્ર ત્યારે જ કરશે જ્યારે તેના પર પરમાણુ હુમલો થશે. આ ઉપરાંત ભારતે પોતાના પરમાણુ પરીક્ષણો પરની સ્વૈચ્છિક રોક પણ યથાવત રાખી છે.

ભારતની પરમાણુ શક્તિનો વિકાસ દશકોથી લેન્ડ બેસ્ડ મિસાઈલો, સમુદ્ર આધારિત ક્ષમતાઓ અને હવાઈ પ્લેટફોર્મ ત્રણેય મોરચે ચાલી રહ્યો છે. અગ્નિ-પ્રાઇમ અને K-4 જેવી અદ્યતન મિસાઈલોના ઉમેરાથી દેશની એકંદર સુરક્ષા તાકાતમાં વધારો થયો છે, જે દેશના સંયમિત અને જવાબદાર વલણને દર્શાવે છે.

વૈશ્વિક સુરક્ષા અને ભારતીય રણનીતિ

અમેરિકન રિપોર્ટમાં સામે આવેલા આંકડાઓ ભારતના મજબૂત અને સંયમિત પરમાણુ અભિગમને ઉજાગર કરે છે. અસંતુલિત વિસ્તરણના બદલે આયોજનબદ્ધ તૈયારી અને સુરક્ષાત્મક સંતુલન જાળવીને ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની જવાબદાર છબી વધુ મજબૂત બનાવી છે.