Loading Please Wait !!!
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ‘સાંઢા’નો શિકારી ઝડપાયો: થાનગઢના જંગલમાંથી ધરપકડ

  • તેલ કાઢવા અને માંસના વેચાણ માટે કરતો હતો શિકાર; વન વિભાગે આરોપીને જેલભેગો કર્યો.
  • બાઇક, રોકડ અને જીવંત સાંઢો કબજે લેવાયા; કોર્ટે આરોપીના જામીન ફગાવ્યા.
  • વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ કડક કાર્યવાહી; પૂર્વ આયોજિત શિકારના ગુનાની કબૂલાત.

સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર :  સુરેન્દ્રનગર ક્ષેત્રિય વન વિભાગે પ્રતિબંધિત વન્યજીવ ‘સાંઢા’ (Spiny-Tailed Lizard) નો શિકાર કરનાર એક શખ્સને રંગેહાથ ઝડપી પાડીને વન્યજીવ સંરક્ષણની દિશામાં મોટી સફળતા મેળવી છે. થાનગઢ રેન્જની ચોરવીરા અનામત વીડીમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગની ટીમે આરોપી પાસેથી જીવંત સાંઢો, મોટર સાયકલ અને રોકડ રકમ સહિત કુલ ₹2.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પેટ્રોલિંગ દરમિયાન શિકારી ઝડપાયો નાયબ વન સંરક્ષક ડો. તુષાર પટેલ અને મદદનીશ નાયબ વન સંરક્ષક સ્વપ્નીલ પટેલના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ ચોરવીરા અનામત વીડીના સર્વે નંબર 570 માં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન દલસુખભાઇ મનજીભાઇ માથાસુરીયા (રહે. ચોરવીરા) નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. વન વિભાગે તપાસ કરતા આ શખ્સ પ્રતિબંધિત સાંઢાનો શિકાર કરતા પકડાઈ ગયો હતો.

શિકાર પાછળનો ચોંકાવનારો હેતુ પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે તેણે ચોરવીરા જંગલ વિસ્તારમાંથી સાંઢાનો શિકાર કર્યો હતો. શિકાર પાછળનો તેનો મુખ્ય હેતુ સાંઢામાંથી તેલ કાઢી તેનું ઉંચા ભાવે વેચાણ કરવાનો તેમજ તેના માંસનો વ્યક્તિગત વપરાશ કરવાનો હતો. વન વિભાગે આરોપી પાસેથી એક જીવંત સાંઢો, શિકાર માટે વપરાતા દોરીના ગાળા, એક સુપર સ્પ્લેન્ડર બાઇક (નંબર GJ-13-BK-6465) અને રોકડ મળી કુલ ₹2,32,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

કાયદેસરની કાર્યવાહી અને જામીન નામંજૂર આ ગંભીર ગુના સંદર્ભે થાનગઢ રેન્જ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 (સુધારા 2022) અને ભારતીય વન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રેન્જ ફોરેસ્ટ ઓફીસર સાગરભાઇ બી. મકવાણા સહિતની ટીમે આરોપીને થાનગઢની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. વન્યજીવ સંરક્ષણની ગંભીરતા અને પ્રાણી પ્રત્યેની ક્રૂરતાને ધ્યાને રાખીને નામદાર કોર્ટે આરોપીના જામીન નામંજૂર કરીને તેને જેલભેગો કરવા આદેશ કર્યો છે.

વન વિભાગની આ કડક કાર્યવાહીથી વન્યજીવોનો શિકાર કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જંગલ સંપત્તિ અને વન્યજીવોના રક્ષણ માટે વન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ સઘન પેટ્રોલિંગ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.