જૂનાગઢના કડીયાવાડમાં નશાના કારણે 23 વર્ષીય યુવકનું મોત: ભાઈનો ગંભીર આક્ષેપ
-
કડીયાવાડ વિસ્તારમાં 23 વર્ષીય આદિત્ય પરમારની તબિયત લથડતાં સિવિલમાં ખસેડાયો
-
છેલ્લા 5 વર્ષથી ગાંજો, ચિલમ અને સિરપના રવાડે ચડેલા યુવકનું સારવારમાં મોત
-
પરિવારે નશાના દૂષણને ડામવા અને વેચાણકર્તાઓ સામે કડક પોલીસ તપાસની માંગ કરી
સિટી ન્યુઝ @ જૂનાગઢ
જૂનાગઢ શહેરના કડીયાવાડ વિસ્તારમાં 23 વર્ષીય યુવક આદિત્ય પરમારનું શંકાસ્પદ નશાના કારણે મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે શહેરમાં ખુલ્લેઆમ વેચાતા નશીલા પદાર્થોના સેવનના કારણે યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ બનાવને પગલે સ્થાનિક વિસ્તારમાં નશાના કાળા કારોબાર સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
મૃતકના ભાઈ સાગર પરમારના જણાવ્યા અનુસાર, આદિત્ય છેલ્લા 5 વર્ષથી ગાંજો, ચિલમ અને નશાકારક સિરપના રવાડે ચડી ગયો હતો. છેલ્લા દોઢ દિવસથી તે સતત નશાની હાલતમાં અર્ધબેભાન અવસ્થામાં પડ્યો રહ્યો હતો. અચાનક તેની તબિયત વધુ નાજુક બનતાં અને શ્વાસ લેવામાં ભારે તકલીફ ઊભી થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પરિવારજનો અને સંબંધીઓએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે યુવાધનને બરબાદ કરી રહેલા ગાંજા સહિતના નશીલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ તાત્કાલિક ધોરણે બંધ કરાવવું જોઈએ. ઘરમાં કમાનારા જુવાનજોધ દીકરાના મોત બાદ પરિવારમાં હવે માત્ર વૃદ્ધ માતા અને નાનો ભાઈ જ બચ્યા છે, જેથી પરિવારે સમગ્ર મામલે તટસ્થ અને ઊંડાણપૂર્વકની તપાસની માંગણી કરી છે.
પોલીસ તંત્ર તરફથી મળતી માહિતી મુજબ, મૃતક યુવક નશીલા પદાર્થોનું સેવન કરવાની ગંભીર આદત ધરાવતો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ સંપન્ન કરવામાં આવ્યું છે અને યુવકના શરીરમાં કયા ઝેરી પદાર્થની અસર થઈ હતી તે સ્પષ્ટ કરવા માટે જરૂરી સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.
હાલ જૂનાગઢ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ સાથે યુવક જ્યાંથી નશીલા પદાર્થો મેળવતો હતો તે નેટવર્ક સુધી પહોંચવા અને સ્થાનિક સ્તરે ચાલતા ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
કડીયાવાડમાં નશાથી યુવકનું મોત
જૂનાગઢના કડીયાવાડમાં 23 વર્ષીય આદિત્ય પરમાર નામના યુવકનું નશાના સેવનથી મોત થયાનો પરિવારે આક્ષેપ કર્યો છે. છેલ્લા 5 વર્ષથી નશાની ટેવ ધરાવતો યુવક દોઢ દિવસથી અર્ધબેભાન હતો અને સિવિલમાં દમ તોડ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ફોરેન્સિક રિપોર્ટ આધારે વધુ તપાસ હાથ ધરી છે.