Loading Please Wait !!!
AAPનું 56,000 બુથો મજબૂત કરવાનું “એક મહિના સુધી બુથ અભિયાન”

10 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી દરેક બુથમાં બેઠક; 2500થી વધુ હોદ્દેદારોની નિમણૂક, 600થી વધુ નેતાઓની હાજરી

સિટી ન્યૂઝ@ગાંધીનગર

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય અને પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ ગુજરાતમાં એક મહિના સુધી ચાલનારા બુથ સંગઠન નિર્માણ અભિયાનની જાહેરાત કરી છે. ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને શરૂ થનારા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના ૫૬,૦૦૦ બુથો સુધી પાર્ટીનું સંગઠન વધુ મજબૂત અને સક્રિય બનાવવાનો છે.

ગોપાલ રાયના જણાવ્યા મુજબ, આજે યોજાયેલા વિશેષ મંથનમાં ૬૦૦થી વધુ પ્રદેશ તથા વિધાનસભા સ્તરના પદાધિકારીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન જનતાના હક-અધિકારના મુદ્દે આંદોલનની આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. દરેક બુથ પર સંગઠન ઊભું કરવા માટે ૨,૫૦૦થી વધુ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. ૧૦ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર સુધી ચાલનારા આ અભિયાન દરમિયાન પાર્ટીના કાર્યકરો દરેક બુથ સુધી પહોંચશે. સ્થાનિક લોકોની સમસ્યાઓ, સરકારી યોજનાઓની સ્થિતિ અને ગુજરાતમાં પરિવર્તનની જરૂરિયાત અંગે બેઠકો યોજવામાં આવશે.

આ સાથે સ્થાનિક સ્તરે સક્રિય કાર્યકરોને સંગઠન સાથે જોડીને બુથ સમિતિઓ રચવામાં આવશે. ગોપાલ રાયે જણાવ્યું હતું કે પાર્ટી ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી માટે 'મિશન ૨૦૨૬' અંતર્ગત જમીની સ્તરે સંગઠનન મજબૂત બનાવી રહી છે. ભાજપ સરકારના લાંબા શાસનથી લોકોમાં અસંતોષ છે, જ્યારે કોંગ્રેસ પ્રત્યે પણ લોકોમાં નિરાશા જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી જનતાના પ્રશ્નો માટે મજબૂત વિકલ્પ તરીકે આગળ આવી રહી છે. આગામી એક મહિનામાં સંગઠનના સ્તરે ગુજરાતની નંબર વન પાર્ટી બનવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ૨૦૨૬ની ચૂંટણી દરમિયાન બુથ સંગઠનમાં રહેલી કચાશને દૂર કરવા માટે આ અભિયાન હાથ ધરાયું છે.

અરવિંદ કેજરીવાલ, ગોપાલ રાય અને પ્રદેશ ટીમના માર્ગદર્શન હેઠળ સંગઠનને વધુ વ્યવસ્થિત બનાવવામાં આવશે. પ્રદેશ સંગઠન મંત્રી, લોકસભા અને જિલ્લા પ્રમુખો તેમજ વિધાનસભા પ્રભારી અને સંગઠન મંત્રીઓને મહત્વપૂર્ણ તાલીમ આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી તબક્કામાં સંગઠનને ગ્રામ સમિતિઓ અને બુથ સમિતિઓ સુધી પહોંચાડવામાં આવશે. દરેક વિસ્તારના જવાબદાર કાર્યકરોની નિમણૂક કરીને પાર્ટીની કામગીરીને વધુ અસરકારક બનાવવામાં આવશે.

દુષ્કાળ મુદ્દે 1 સપ્ટેમ્બરથી સત્યાગ્રહનું બીજું ચરણ

ઇસુદાન ગઢવીએ ગુજરાતના ૧૦૮ તાલુકામાં દુષ્કાળની સ્થિતિ હોવાનો દાવો કરી ૯ સપ્ટેમ્બરથી દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહનું બીજું ચરણ શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમના જણાવ્યા મુજબ, ૧૦૮ તાલુકામાંથી ટીમો કાર્યક્રમમાં પહોંચી હતી અને દુષ્કાળ પ્રભાવિત વિસ્તારોમાં ખેડૂતો સાથે મળીને ગ્રામ સત્યાગ્રહ કરવામાં આવશે.૯ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી દુષ્કાળ મુદ્દે ખેડૂતો પાસેથી ફોર્મ ભરાવવામાં આવશે. ત્યારબાદ ૨ ઓક્ટોબરે ગાંધીનગર કૂચ કરવામાં આવશે. ગઢવીએ જણાવ્યું હતું કે દુષ્કાળગ્રસ્ત ગામોમાં પીવાના પાણી અને ઘાસચારાની સમસ્યા અંગે પણ આંદોલન કરવામાં આવશે.