હવે અંબાજી મંદિરમાં દાન ચોરી...!
- પવિત્ર સ્થાને પાપ: ભક્તિની આડમાં ભ્રષ્ટાચાર
- કર્મચારી દાનના રૂપિયા ગણી, નોટોનું બંડલ ચોર્યું: આખી ઘટના CCTVમાં કેદ
- 500 રૂપિયાની 208 નોટોની ચોરી કરી હતી
સીટી ન્યૂઝ@અંબાજી
રામમંદિર દાન ચોરીનો મુદ્દો દેશભરમાં ચર્ચાને સ્થાને છે. ત્યારે અંબાજી મંદિરના ભંડાર કક્ષમાં બનેલી ચોરીની ઘટનાના જૂના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. જેના પગલે અંબાજી મંદિરમાં પણ ચોરીની ઘટનાએ ચર્ચા જગાવી છે. આ ઘટના વાઈરલ વિડિયોમાં આઉટસોર્સિંગ કર્મચારી ચિરાગ ઠાકોર અન્ય કર્મચારીઓ સાથે નોટોની ગણતરી કરતો અને તે દરમિયાન નોટોનું એક બંડલ પોતાના પગ નીચે સંતાડતો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ૫ મેના રોજ ચિરાગ ઠાકોર નોટોનું બંડલ ચોરતા રંગેહાથ ઝડપાયો હતો. જેમાં ચિરાગ ઠાકોર સાથે અન્ય બે આરોપી વિવેક શર્મા અને નિકુંજ પટેલની સંડોવણી ખૂલતાં ધરપકડ કરાઈ હતી. ભંડાર કક્ષમાં જ્યારે નોટોની ગણતરી ચાલી રહી હતી ત્યારે આ ચોરી આચરવામાં આવી હતી. ચિરાગ ઠાકોરે રૂપિયાનું બંડલ છુપાવ્યા બાદ બાથરૂમ જવાના બહાને તે બહાર નીકળી રહ્યો હતો, આ દરમિયાન તેના ખિસ્સામાંથી ૧,૦૪,૦૦૦ રૂપિયાનું બંડલ નીચે પડી ગયું હતું. ત્યાં હાજર અન્ય કર્મચારીઓની નજર પડતા તેમણે તાત્કાલિક આ અંગે ઉચ્ચ અધિકારીઓને વાકેફ કર્યા હતા. આ ઘટના સામે આવ્યા બાદ મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટરે હંગામી કર્મચારી ચિરાગ ઠાકોર સામે કડક વલણ અપનાવી પોલીસ ફરિયાદ નોંધાવવા આદેશ કર્યો હતો. મંદિરના અધિક કલેક્ટર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ આધારે પોલીસે મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર ઉપરાંત સહ-આરોપી વિવેક શર્મા અને નિકુંજ પટેલની ધરપકડ કરી હતી. કોર્ટે સહ-આરોપીઓના ૫ દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા. પોલીસે ચોરાયેલા બંડલમાંથી ૫૦૦ રૂપિયાની ૨૦૮ નોટો રિકવર કરી હતી. અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો સીસીટીવી ફૂટેજ જૂનો છે.
સુરક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફાર અને નવી SOP
-
આ ચોરીની ઘટના બાદ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભંડાર ગણતરીની પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલી બનાવવામાં આવી છે.
-
લાઈવ પ્રસારણ: ભંડાર ગણતરીની સમગ્ર કામગીરીનું મંદિર પરિસરમાં લગાવેલી મોટી LED સ્ક્રીન પર લાઈવ પ્રસારણ કરવામાં આવે છે, જેથી શ્રદ્ધાળુઓ અને સામાન્ય જનતા પણ આ પ્રક્રિયા જોઈ શકે.
-
CCTV મોનિટરીંગ: ભંડાર કક્ષના દરેક ખૂણાને આવરી લેવા માટે ૨૦ જેટલા હાઈ-ટેક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા સતત નજર રાખવામાં આવે છે.
-
કર્મચારીઓ પર પ્રતિબંધ: ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે વર્ગ ૪ અને આઉટસોર્સિંગના કર્મચારીઓને હવે ભંડાર ગણતરીની પ્રક્રિયાથી સંપૂર્ણપણે દૂર રાખવાનો નિર્ણય લેવાયો છે.
-
ચુસ્ત પોલીસ બંદોબસ્ત: ભંડાર કક્ષમાં પ્રવેશતા અને બહાર નીકળતા તમામ સત્તાવાર કર્મચારીઓ સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) ના જવાનો દ્વારા કડક ઇન-આઉટ ચેકિંગ કરવામાં આવે છે.
અંબાજી મંદિરમાં વહીવટદાર આ ફૂટેજ જૂના છે તે સમયે FIR નોંધી હતી, અત્યારે તમામ આરોપીઓ જામીન પર મુક્ત છે