Loading Please Wait !!!
73 વર્ષીય વૃદ્ધનાં 5 વર્ષની બાળકી સાથે અડપલા

 

અમદાવાદનાં મેઘાણીનગરમાં રમાડવાના બહાને ઘરે બોલાવી દાદાની ઉંમરના વૃદ્ધે અડપલાં કર્યા; ગભરાયેલી હાલતમાં માતા-ફોઈને જાણ કરી: આરોપીની ધરપકડ

સીટી ન્યૂઝ@અમદાવાદ

અમદાવાદના મેઘાણીનગરમાં પાંચ વર્ષની બાળકી સાથે ૭૩ વર્ષીય વૃદ્ધે અડપલા કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. વૃદ્ધે બાળકીને રમાડવાના બહાને ઘરે બોલાવીને ત્યારબાદ તેના ગુપ્ત ભાગે હાથ ફેરવીને છેડતી કરી હતી. બાળકીએ ઘરે જઈને માતા અને ફોઈને આપવીતી જણાવતા પરિવારે તુરંત પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. મેઘાણીનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપી નંદલાલ આસવાણીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકી ૭૩ વર્ષીય નંદલાલ આસવાણીના ઘરે રમાડવા માટે ગઈ હતી. આ દરમિયાન આરોપીએ પોતાની માનસિક વિકૃતિ દર્શાવીને નાની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા અને તેના ગુપ્ત ભાગે હાથ ફેરવીને ખરાબ કૃત્ય આચર્યું હતું, આ અણછાજતા વર્તનથી બાળકી ગભરાઈ ગઈ હતી અને તેને શારીરિક પીડા થતાં તે પોતાના ઘરે પહોંચી હતી. બાળકીએ ઘરે જઈ પોતાની માતા અને ફોઈને કરવામાં આવેલા ખરાબ કૃત્ય અંગે વાત કરી હતી. માસૂમ પુત્રી સાથે થયેલી આ હરકત જાણીને સ્તબ્ધ થયેલા પરિવારે તાત્કાલિક ૧૦૦ ઈમરજન્સી નંબર ૧૧૨ પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. કંટ્રોલ રૂમના મેસેજના આધારે મેઘાણીનગર પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

એસીપી રીના રાવબાએ જણાવ્યું કે, પીડિત બાળકીની ફરિયાદ આધારે ૭૩ વર્ષીય આરોપી નંદલાલ આસવાણીની ધરપકડ કરવામાં આવી છે.