હાઈ રાઈઝ બિલ્ડીંગો વચ્ચે કચરાનું ડમ્પિંગ સ્ટેશન
- રાજકોટના મોટા મવા વિસ્તારમાં ગંદકીના ગંજ
- કોસ્મોસ પ્રાઈડ, શાલીગ્રામ, પેન્ટાગોન અને તુલસી ઇમ્પેરિયા જેવા હાઈ રાઈઝ ફ્લેટ્સની મધ્યમાં નર્કાગાર સ્થિતિ : સ્થાનિકોમાં ભારે રોષ: “સ્માર્ટ સિટીના દાવાઓ પોકળ, મનપા તંત્ર ઘોર નિદ્રામાં”
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના 'સ્વચ્છ ભારત' અને 'સ્માર્ટ સિટી' ના મોટા મોટા દાવાઓની વાસ્તવિકતા પોશ વિસ્તારોમાં ખુલ્લી પડી રહી છે. શહેરના મોટા મવા વિસ્તાર (પિનકોડ-૩૬૦૦૦૫) માં ર્પીવેલ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા ફિલ્ડ માર્શલ રોડ પર ગંદકી અને કચરાના મોટા ઢગલાઓ જોવા મળી રહ્યા છે. આ કચરાના ગંજે કારણે સ્થાનિક રહીશોનું જીવવું હરામ થઈ ગયું છે અને વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરી દહેશત વર્તાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અને સ્થાપિકો દ્વારા શેર કરાયેલા ફોટોગ્રાફ્સ અનુસાર, ફિલ્ડ માર્શલ રોડ પર યશ બેન્ક અને ICICI બેન્કની બરાબર સામે આવેલા ખુલ્લા મેદાનને જાણે મનપાએ ક (ડમ્પિંગ સ્ટેશન) બનાવી દીધું છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ કચરાના ઢગલાઓની ચારે બાજુ આધુનિક અને મોટા હાઈ રાઈઝ રહેણાંક ફ્લેટ્સ આવેલા છે, આસપાસમાં કોસ્મોસ પ્રાઈડ, શાલીગ્રામ ફ્લેટ્સ, પેન્ટાગોન ફ્લેટ્સ અને તુલસી ઇમ્પેરિયા ફ્લેટ્સ આવેલા છે, જ્યાં સેંકડો પરિવારો વસવાટ કરે છે.
આટલી મોટી વસ્તીની વચ્ચે ખુલ્લામાં પેલા કચરા અને સડતી ગંદકીના કારણે સતત માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાયેલી રહે છે. ખાસ કરીને ચોમાસાના સમયમાં આ કચરામાં પાણી ભરાવાથી મચ્છરો અને માખીઓનો ભારે ઉપદ્રવ શરૂ થઈ ગયો છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા જીવલેણ રોગો ફેલાવવાનો સીધો ખતરો સ્થાનિક બાળકો અને વૃદ્ધો પર તોળાઈ રહ્યો છે. કરોડો રૂપિયાના ફ્લેટમાં રહેવા છતાં લોકોને આવી ગંદકી વચ્ચે નર્ત સમાન જીવન જીવવું પડી રહ્યું છે.
કોસ્મોસ પ્રાઈડના પ્રમુખે ઉઠાવ્યો અવાજ
આ અસહ્ય સ્થિતિ સામે કોસ્મોસ પ્રાઈડ ફ્લેટના પ્રમુખ (મો. ૯૬૬૨૭૮૫૬૭૭) એ જાગૃત નાગરિક તરીકે અવાજ ઉઠાવ્યો છે અને મનપા તંત્રનું ધ્યાન દોરવા પ્રયાસ કર્યો છે. સ્થાનિક રહીશોમાં મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનો સવાલ છે કે, "શું મનપા માત્ર ટેક્સ ઉઘરાવવાનું જ કામ કરે છે? પાયાની સફાઈ સુવિધા આપવાની જવાબદારી કોની?" સ્થાનિક જાગૃત નાગરિકોએ ઉગ્ર માંગ કરી છે કે મહાનગરપાલિકાનું તંત્ર તાત્કાલિક ઘોર નિદ્રામાંથી જાગે અને આ ખુલ્લા મેદાનમાંથી કચરાના ઢગલાઓનો કાયમી નિકાલ કરે. જો વહેલી તકે અહીં દવાઓનો છંટકાવ અને સફાઈ કરવામાં નહીં આવે, તો આસપાસના ફ્લેટ્સના રહીશો એકજૂટ થઈને મનપા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.