Loading Please Wait !!!
દુબઈ-મુંબઈ ફ્લાઈટમાં ધુમાડો નીકળતા રાજકોટ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધૂમાડાથી આકાશમાં અફરાતફરી મચી

  • 194 મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા

  • તપાસના અંતે હાશકારો : રાજકોટથી ફરી ફ્લાઈટ મુંબઈ જવા રવાના

  • આગના સમાચાર મળતા ફાયર ફાઈટરો, બોમ્બ-ડોગ સ્કવોડે એરપોર્ટ પહોંચી તપાસ કરી

સિટી ન્યૂઝ@રાજકોટ

દુબઈથી મુંબઈ આવતી ઇન્ડિગો ફ્લાઈટ (IGO૧૫૨)ના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં અચાનક આગ લાગતા આ ફ્લાઈટનું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જોકે, આ દરમિયાન ક્રૂ મેમ્બર સહિત ૧૬૪ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ આ ફ્લાઈટનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરાયું હતું. મુસાફરોને કોઇપણ પ્રકારની જાનહાનિ ન થતા એરપોર્ટ ઓથોરિટી અને રાજકોટ વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ બોમ્બ અને ડોગ સ્કવોડ એરપોર્ટ પહોંચી ગઈ છે.

એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દુબઈથી મુંબઈ આવતી ઇંડીગોની ફ્લાઈટ દુબઈથી સહી સલામત ઉપડી હતી, પરંતુ રસ્તામાં

ફ્લાઈટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં સ્મોક શરૂ થતા આ ફ્લાઈટને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને લીધે ફ્લાઈટમાં બેસેલા ક્રૂ મેમ્બર સહિત ૧૯૪ મુસાફરો ડરી ગયા હતા પરંતુ પાઈલોટ દ્વારા ફ્લાઈટનું

ઇમરજન્સી લેન્ડિંગ સફળતાપૂર્વક કરવામાં આવતા મુસાફરોનો જીવ બચી ગયો હતો.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટમાં કાર્ગો કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળતો હોવાને કારણે તેનું ઇમરજન્સી

લેન્ડિંગ કરવામાં આવી રહ્યું હોવાનો મેજર કોલ મળતા જ રાજકોટથી મહાનગરપાલિકાના ૨ ફાયર ફાઈટર અને ૨ એમ્બ્યુલન્સ તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી ગઈ હતી અને આ સમયે ફાયર બ્રિગેડના જવાનો તેમજ તબીબી સ્ટાફ પણ તૈયાર હતો. CISF અને એરપોર્ટ પોલીસ સહિતનો સ્ટાફ પણ ત્યાં પહોંચી ગયો હતો. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર દિગંત બોરાહે જણાવ્યું હતું કે, IGO ૧૫૨ દુબઈ- મુંબઈ વચ્ચેની ફ્લાઈટમાં કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં સ્મોક થતા ૨ઃ૪૫ વાગ્યે ફૂલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. જે બાદ ૩ઃ૨૭ વાગ્યે આ ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં બેસેલા ૧૬૪ જેટલા મુસાફરો સુરક્ષિત છે.