ફૂડ એન્ડ ડ્રગ ઈન્સપેક્ટરે મેડિકલ લાયસન્સ માટે ‘પ્રસાડી’ ફરજિયાત?
- રાજકોટ જિલ્લામાં લાયસન્સ માટે ‘રેટ’ ફિક્સ : પૈસા આપો મેડિકલ ખોલો !
- જેતપુર શહેરમાં નવું મેડિકલ લાયસન્સ મેળવવા માટે અરજી કરનાર અરજદારો પાસેથી 20,000 ઉઘરાવ્યાના આરોપ
- ડ્રગ ઈન્સપેક્ટરે અરજદારને પોતાની ટોયોટા કંપનીની પ્રાઇવેટ ગાડીમાં બેસાડી વહીવટ કર્યો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ જિલ્લામાં ખોરાક અને ઓષધ નિયમન તંત્ર (Food and Drugs Control Administration) ભ્રષ્ટાચારનો ગઢ બની ગયું હોય તેવી ચોંકાવનારી વિગતો સામે આવી છે. જિલ્લાની હદમાં આવતા જેતપુર સિટીમાં નવું મેડિકલ લાયસન્સ મેળવવા માટે અરજી કરનાર અરજદારો પાસેથી
"૨૦,૦૦૦ની પ્રસાદી" ની જાહેરમાં માંગણી કરવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે.
મળતી માહિતી મુજબ, ગઈકાલે જેતપુર ખાતે એક અરજદાર નવા મેડિકલ લાયસન્સ અંગે અરજી અને તપાસ માટે ગયા હતા. ત્યારે ત્યાં ફરજ પરના અધિકારી દ્વારા કાયદાકીય પ્રક્રિયા પૂરી કરવાના બદલે અગાઉથી જ પૈસા તૈયાર રાખવા જણાવી દેવાનું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે આ વહીવટ ખુલ્લેઆમ કરવાના બદલે ડ્રગ ઈન્સપેક્ટરે અરજદારને પોતાની ટોયોટા કંપનીની પ્રાઇવેટ ગાડીમાં બેસાડી ખાનગીમાં મોટો વહીવટ ગોઠવ્યો હતો. ગાડીમાં જ અરજદારને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે નક્કી કરેલ રકમ "કવરમાં બંધ કરીને જ પહોંચતી કરવી."
- અરજદારને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે નક્કી કરેલ રકમ કવરમાં બંધ કરીને પહોંચતી કરવી
- તાજેતરમાં જ પોસ્ટિંગ મેળવેલ ડ્રગ ઇન્સપેક્ટર વિવાદમાં
સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે, આ ખાનગી વહીવટ કરનાર ડ્રગ ઇન્સપેક્ટરે તાજેતરમાં જ પરીક્ષા પાસ કરીને રાજકોટ ખાતે નવું પોસ્ટિંગ મેળવ્યું છે. સરકારી સેવા શરૂ કરવાની સાથે જ વહીવટી પારદર્શિતા અને નિયમોનું પાલન કરાવવાના બદલે અધિકારીએ કમાણીનો અડ્ડો જમાવી લીધો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
- શું આ રીતે નશાના કારોબારને મોકળું મેદાન અપાશે?
મેડિકલ લાયસન્સ આપવા પાછળનો મુખ્ય હેતુ નિયમિત અને કાયદેસર દવાઓનું વેચાણ સુનિશ્ચિત કરવાનો હોય છે. પરંતુ જો માત્ર ૨૦,૦૦૦ ના નિવેધ ધારીને વગર યોગ્ય તપાસે કે પૈસાના જોરે લાયસન્સ ઇશ્યુ કરી દેવામાં આવશે, તો વિસ્તારમાં ગેરકાયદેસર અને નશાકારક દવાઓનો કારોબાર ફૂલ્યો-ફાલ્યો જ રહેશે.
- શું ઉચ્ચ અધિકારીઓ અને વિજિલન્સ વિભાગ આ ‘ટોયોટા ગાડીવાળા’ ઇન્સપેક્ટર સામે તપાસના આદેશ આપશે? કે પછી આ ભ્રષ્ટાચારનો આંકડો છેક ઉપર સુધી પહોંચે છે એટલે મૌન સેવવામાં આવશે?