રાજકોટમાં વ્યસનમુક્તિ સંકલ્પ સાથે ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવ
ગજાનંદ આશ્રમ, માલસર દ્વારા ગુરુપૂજન માટે વ્યસનમુક્તિ, વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતીનો મજબૂત સંદેશ અપાયો; 29 જુલાઈએ અભય ભારદ્વાજ હોલમાં વિશાળ આયોજન
સિટી ન્યૂઝ@રાજકોટ
પૂજ્ય ગુરુજી (ગજાનંદ આશ્રમ, માલસર)ના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ-૨૦૨૬નું ભવ્ય અને વિશાળ આયોજન ૨૯ જુલાઈએ સવારે ૮:૦૦થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી રૈયા રોડ સ્થિત અભય ભારદ્વાજ હોલ ખાતે કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો, શ્રદ્ધાળુઓ અને વિવિધ ક્ષેત્રના લોકો જોડાશે.
મહોત્સવ દરમિયાન વ્યસનમુક્તિ, પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, ગૌસેવા અને પ્રાકૃતિક ખેતીના વ્યાપક સંદેશ સાથે સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આયોજનો દ્વારા આ કાર્યક્રમને માત્ર ધાર્મિક નહીં પરંતુ
સામાજિક પરિવર્તનનો મંચ તરીકે પણ રજૂ કરવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા મુજબ, ગુરુપૂજન અથવા મંત્રીદીક્ષા માટે આવતા તમામ ભાવિકોએ માવો, પાડી, તમાકુ, ગુટખા સહિતના તમામ પ્રકારના વ્યસનોનો સંપૂર્ણ ત્યાગ કરીને આજૂપવન વ્યસનમુક્ત રહેવાનો દઢ સંકલ્પ લાવી આવવું ફરજિયાત રહેશે. સાથે જ ગુરુદક્ષિણાના રૂપમાં રોકડ રકમના બદલે ઓછામાં ઓછા બે વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવાશે તેમજ રસાયણિક ખેતીને બદલે ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંદેશ આપવામાં આવશે. મહોત્સવ દરમિયાન ભજન, ભક્તિ, મહાપ્રસાદ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિશાળ આયોજન કરવામાં
આવ્યું છે. જેમાં ભજન ગાયક સાગર રાવલ (ભૂદેવ), હાસ્ય કલાકારો જીતુભાઈ દ્વારકાવાળા અને વિજય રાવલ તેમજ લોકસાહિત્યકાર દેવરાજ ગઢવી (ગીર) પોતાની વિશેષ રજૂઆતો કરશે.
પૂજ્ય ગુરુજીએ જણાવ્યું છે કે સમાજને એવા શિષ્યોની જરૂર છે, જેઓ રાષ્ટ્રભાવના, પ્રકૃતિપ્રેમ, પર્યાવરણ સંરક્ષણ, ગૌસેવા અને નદીઓના રક્ષણ પ્રત્યે સમર્પિત હોય. સાથે જ યુવા પેઢીને સંસ્કાર, સત્ય અને વ્યસનમુક્તિના માર્ગે આગળ વધારવાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે.
આયોજકો દ્વારા બહારગામમાંથી આવતા ભાવિકો માટે રહેવા અને મહાપ્રસાદની વિશાળ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.