Loading Please Wait !!!
ગીરના જંગલમાં ‘ગરબડ’ની ગુંજ દિલ્હી સુધી પહોંચી ફરિયાદ

  • જંગલમાં ગેરરીતિનો વિસ્ફોટ : PM-CM સુધી મામલો પહોંચ્યો
  • માઇનિંગની મંજૂરી અને ગેરકાયદે રિસોર્ટ અંગે PM-CMને પત્ર લખી ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી

સીટી ન્યૂઝ@ગીર સોમનાથ

એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીર જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘનનો મોટો વિવાદ સામે આવ્યો છે. અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને વિવાદસ્પદ મંજૂરીઓને લઈને ગુજરાત રાજ્ય વન્યજીવન બોર્ડના વર્તમાન અને પૂર્વ સભ્યો તેમજ પર્યાવરણ પ્રેમીઓએ મોરચો માંડ્યો છે. ગીરના સંરક્ષણ બાબતે ચિંતા વ્યક્ત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને લેખિત પત્ર પાઠવી આ સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે.

આ ગંભીર મુદ્દે અવાજ ઉઠાવનારાઓમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફના પૂર્વ સભ્ય અને જાણીતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યા, સ્નેહલ પટેલ - નેચર ક્લબ સુરત, એડવોકેટ રોહિત વ્યાસ, સી.ટી. રાણા, સુરેશ ભટ્ટ, સંજય કેલેયા અને રેવતુભા રાયજાદા સહિતના પર્યાવરણવિદો સામેલ છે. તેમણે ગીરમાં સિંહોના અસામાન્ય અને ચિંતાજનક અપમૃત્યુ તેમજ જંગલના હિતને નુકસાન પહોંચાડતા નિર્ણયો સામે સત્વરે સુધારાત્મક પગલાં લેવા અનુરોધ કર્યો છે.

જાફરાબાદ તાલુકાના બાબારકોટ રિઝર્વ ફોરેસ્ટની અંદાજે ૭૫ હેક્ટર જમીનને ખાણકામ માટે ડાયવર્ટ કરવાની દરખાસ્ત સામે સખત વિરોધ નોંધાવાયો છે. આ વિસ્તારમાં ૫,૫૦૦થી વધુ વૃક્ષો આવેલા છે, જે ખાણકામની મંજૂરી મળતાં જ કાપી નાખવામાં આવશે. આ વિસ્તાર ૫૦થી વધુ સિંહો સહિત અનેક શેડ્યુલ-૧ વન્યજીવોનું કુદરતી રહેઠાણ છે અને તે ગીરના મહત્વપૂર્ણ 'સિંહ કોરિડોર' તરીકે ઓળખાય છે. ખાણકામથી વન્યજીવોનું રહેઠાણ છીનવાઈ જશે.