ગીર પૂર્વ: વન વિભાગ દ્વારા સાત સિંહોને સ્વસ્થ કરી ફરી જંગલમાં મુક્ત કરાયા
સિટી ન્યૂઝ@ધર્મેશ મહેતા-ધારી
ધારી ગીર પૂર્વની બાબરીયા રેન્જમાંથી પકડાયેલા સાત સિંહો સંપૂર્ણપણે સ્વસ્થ થતાં ફરીથી મુક્ત જંગલના વાતાવરણમાં છોડી દેવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા સિંહોને પાંજરામાંથી મુક્ત કરવાનો એક સત્તાવાર વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો છે. જેને જોઈને પ્રકૃતિ અને વન્યજીવ પ્રેમીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. મળતી માહિતી મુજબ, બાબરીયા રેન્જમાંથી સાત સિંહોને 'બેબેશિયા' નામના રોગથી પીડિત હોવાના કારણે પકડવામાં આવ્યા હતા. આ સિંહોને તાત્કાલિક ધોરણે એનિમલ કેર સેન્ટર ખાતે આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં વન વિભાગની તબીબી ટીમ દ્વારા છેલ્લા ૧૦ થી ૧૫ દિવસ સુધી તેમની સઘન સારવાર કરવામાં આવી હતી. સારવાર બાદ તમામ સાત સિંહોના સ્વાસ્થ્યમાં સંપૂર્ણ સુધારો જણાતા અને તેઓ તદ્દન સ્વસ્થ હોવાનો રિપોર્ટ આવતા વન વિભાગ દ્વારા કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. તમામ વહીવટી મંજૂરીઓ મળ્યા બાદ આ સિંહોને તેમના કુદરતી આવાસ એટલે કે ગીરના મુક્ત વાતાવરણમાં છોડવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા જાહેર કરાયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, પાંજરા ખુલતાની સાથે જ સિંહો ઉત્સાહભેર દોડીને જંગલ તરફ રવાના થઈ ગયા હતા. આગામી દિવસોમાં ગીરનું જંગલ ફરી એકવાર આ ડાલામથ્થાઓની ગર્જનાઓથી ગુંજી ઉઠશે.